ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા મુદ્દે સરકાર સાથે બેઠક બાદ અંતિમ નિર્ણય
તાજેતરમાં કોરોના મહામારીના પગલે સમગ્ર ગુજરાતમાં લૉકડાઉનનું ચૂસ્ત પાલન કરવામાં આવ્યું ત્યારે એવું નક્કી થયું હતું કે રથયાત્રાનો નિર્ણય સરકાર સાથે વાટાઘાટો કર્યા બાદ લેવામાં આવશે. ત્યાર બાદ ભગવાનની જળયાત્રામાં પણ નિયમો પ્રમાણે વીધી કરવામાં આવી હતી. જો કે હજી પણ રથયાત્રા કેવી રીતે નિકળશે તે વિશે અસમંજસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહામારી કોરોનાને પગલે શહેરમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા મુદ્દે હજુ પણ અસમંજસ ચાલી રહી છે. આ અંગે સરકાર અને મંદિરની 15 જૂનની બેઠક યોજાશે. આ બેઠક આરોગ્ય વિભાગ, ગૃહ વિભાગ, મંદિરના ટ્રસ્ટી અને અમદાવાદના આગેવાનો વચ્ચે યોજાશે. બેઠકમાં રથયાત્રા યોજવી કે નહીં અને જો યોજવામાં આવે તો તેનું સઘળું આયોજન કેવી રીતે કરવું તેના પર મનોમંથન કરવામાં આવશે. ત્યાર બાદ મુખ્યમંત્રી સાથે બેઠક થશે, જેમાં રથયાત્રા યોજવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.