સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 15 ઑગસ્ટ 2021 (14:08 IST)

આજે જામનગરનો 482મો સ્થાપના દિવસ, એક સમયે દરિયાઇ વેપારમાં ધરાવતું હતું આંતરરાષ્ટ્રિય ખ્યાતિ

નવાનગર (જામનગર) આજે તેની સ્થાપનાનો 482 મો જન્મ દિવસ છે. સં.1596 માં શ્રાવણ સુદ-સાતમ બુધવારના રોજ જામ રાવળે નવાનગર (જામનગર) ની સ્થાપનાની થાંભલી રોપી હતી. જેમાં કહેવાય છે કે બે કે ત્રણ થાંભલીઓ રોપવામાં આવી હતી. આમાંની બે થાંભલીઓ દરબારગઢ પાસે અને ત્રીજી થાંભલી માંડવી ટાવર પાસે આવેલ હોવાનું કહેવાય છે. ત્રીજી થાંભલી હાલ મળી આવતી નથી. જાડેજા ઇતિહાસના કર્તા રાજવૈદ્ય જીવરામ કાળીદાસે આમ જણાવ્યું છે. દરિયાની સપાટી થી 157 ફુટની ઉંચાઇએ જામનગર વસેલું છે. 
 
જામનગરની ભૌગોલીક રચનામાં ત્રણ દિશાઓમાં દરિયો છે અને એક દિશા જમીન માર્ગે શહેરને અન્ય શહેરો સાથે જોડે છે અરબી સુમદ્રનો વિશાળ દરિયાકિનારો ધરાવતું આ નગર એક સમયે દરિયાઇ વેપારમાં આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતું હતું નગરના જોડીયા, સિક્કા, બેડી અને સચાણાના બંદરો વેપારથી ધમધમતા હતા દેશના ઘણા નગરોને વિદેશ વ્યાપાર માટે જામનગરએ દરિયાના મોટા દ્વાર સમાન હતું.
 
અલગ અલગ સમયે આવેલા રાજવીઓએ નવાનગર માટે કંઇક નવું આપ્યું છે. શહેરના રાજવીઓએ લાખોટો કોઠો, ભુજીયો કોઠો, રમણલ તળાવ, ચંદ્રમહેલ, સિદ્ધનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, વિભાવિલાસ, દરબારગઢ, બર્ધન ચોક, દિગ્જામ મીલ, ઇરવિન હોસ્પિટલ, માંડવી ટાવર, પંચેશ્વર ટાવર, દિવાન બંગલો, રેવન્યુ ઓફિસ, મેજીસ્ટ્રેટ કોર્ટ, વિભાજી સ્કુલ, વિકટોરિયા પુલ સહિતની અનેક ઇમારતો બનાવી હતી. તેમજ જે તે સમયમાં નગરના રાજમાર્ગો પણ પહોળા બનાવ્યા હતા. આજે જયારે નગરનો સ્થાપના દિવસ ઉજવાઇ રહ્યો છે ત્યારે પ્રજાવત્સલ રાજવીઓને રાજવી પરિવાર તેમજ રાજપૂત સમાજ દ્વારા યાદ કરવામાં આવશે અને સ્થાપનાની થાંભલીનું પૂજન કરી પ્રજાવત્સલ રાજવીઓની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરાશે.