જિજ્ઞેશ મેવાણીને વડાપ્રધાનને હાડકાં ઓગાળવા હિમાલય જવાનું કહેવાની ટિપ્પણી ભારે પડી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની વડગામ બેઠક પરથી કોંગ્રેસના સપોટૅથી ચૂંટણી જીતીને વિધાનસભ્ય બનેલા દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કરેલી ટિપ્પણી સામે મોદી સમાજમાં રોષ ફેલાયો છે. એના વિરોધમાં ગઈકાલે વડગામમાં જિજ્ઞેશ મેવાણી સામે મૌન રેલી યોજાઈ હતી અને જિજ્ઞેશ મેવાણી માફી માગે એવી માગણી કરી હતી.
શ્રી મોઢ વણિક મોદી યુથ સકૅલ દ્વારા ગઈકાલે વડગામમાં મોદી સમાજના નાગરીકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીનો વિરોધ કરવા માટે મૌન રેલી યોજી હતી. શ્રી મોઢ વણિક મોદી યુથ સકૅલના પ્રમુખ વિમલ મોદીએ કહ્યું કે 'દસેક દિવસ પહેલાં જિજ્ઞેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે એવી ટિપ્પણી કરી હતી કે તેમણે હિમાલયમાં હાડ ગાળવા જતા રહેવું જોઈએ, ઉંમર થઈ ગઈ છે. આ ટિપ્પણી સામે અમારા સમાજમાં રોષ ફેલાયો છે. અમારી લાગણી વડાપ્રધાન સાથે છે ત્યારે જિજ્ઞેશ મેવાણી માફી માગે એવી માગણી સાથે સમાજના નાગરીકોએ વડગામમાં મૌન રેલી યોજી હતી અને વડગામ મામલતદાર અને ત્યારબાદ પાલનપુર જઈને બનાસકાંઠાના જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યં હતું.