શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 5 જૂન 2022 (11:54 IST)

કે.ડી. ભરવાડે‘વનવિભાગમાં જવાના બદલે પોલીસની નોકરીમાં આવી ગયા..!’અને પછી જે પર્યાવરણ પ્રેમ બતાવ્યો કે....

વિશ્વ પર્યાવરણ દિન: કલાકો સુધી બેસવાનું મન થાય એવું સુરત જિલ્લાના ઉમરપાડાનું ઈકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન
 
વિશ્વ પર્યાવરણ દિન: પર્યાવરણપ્રેમી પોલીસ સ્ટાફે સહિયારી માવજતથી બનાવ્યું ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન
‘વનવિભાગમાં જવાના બદલે પોલીસની નોકરીમાં આવી ગયા..!’ એવું સ્ટાફ હસતા મુખે કહે છે: પી.એસ.આઈ. કે.ડી. ભરવાડ - કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જતાં સ્વાભાવિકપણે લોકોને ડર લાગે. પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તમારી માન્યતા ધરમૂળથી બદલાઈ જશે. ઉમરપાડા તાલુકા મથકે આવેલું ઉમરપાડા પોલીસ સ્ટેશન કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ, સુઘડ અને ઈકોફ્રેન્ડલી છે. 
 
આ પોલીસ સ્ટેશન અન્ય કરતાં એટલા માટે અલગ છે, કારણ કે અહીં કાર્યરત તમામ પોલીસ જવાનો, અધિકારીઓ પર્યાવરણપ્રેમી છે. અહીં ફરજ બજાવતાં સ્વચ્છતા અને પ્રકૃત્તિપ્રેમી પી.એસ.આઈ. કે.ડી.ભરવાડે પોલીસ અને પર્યાવરણનો સુમેળ રચ્યો છે. તેમની આગેવાનીમાં પ્રકૃત્તિપ્રેમી પોલીસ સ્ટાફે સહિયારી માવજતથી ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવ્યું છે. વૃક્ષોથી આચ્છાદિત પરિસરના કારણે પક્ષીઓના કલબલાટથી પોલીસ સ્ટેશન આહ્લાદક અનુભૂતિ કરાવે છે. 
 
ઉમરપાડા પોલીસ સ્ટેશન માત્ર ન્યાય મેળવવાનું કેન્દ્રસ્થાન ન રહેતા રેઈન વોટર હાર્વેસ્ટિંગ, પર્યાવરણ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન, વર્મી કમ્પોસ્ટ, મેડીટેશન, કિચન ગાર્ડનિંગ માટેનું પણ જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે. આ પોલીસ સ્ટેશનમાં પાણી અને પાંદડાને વેસ્ટ બનતા અટકાવવામાં આવે છે. જેમાં વેસ્ટ વોટરને જમીનમાં ઉતારવામાં આવે છે, જ્યારે મઘા નક્ષત્રમાં થતાં વરસાદનું પાણી ગુણકારી હોવાથી આ પાણીનો સંગ્રહ કરવા માટે બનાવાયેલા અંડરગ્રાઉન્ડ સંપમાં ૪૦,૦૦૦ લિટર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. જે બારેમાસ પીવાનું શુદ્ધ પાણી પૂરૂ પાડે છે. 
 
ઉપરાંત, વૃક્ષોના ખરી ગયેલા પાન, સુકા કચરાને ગાયના ગોબર સાથે મિક્ષ કરી વર્મી કમ્પોસ્ટ ખાતરમાં રૂપાંતરિત કરવા પોલીસ સ્ટેશનમાં જ વર્મી કમ્પોસ્ટ બેડ બનાવવામાં આવ્યો છે. નકામા મુદ્દામાલમાંથી 'વેસ્ટમાંથી બેસ્ટ' કોન્સેપ્ટથી આકર્ષક સુશોભન કરવામાં આવ્યું છે. અહીં બાળકો માટે પ્લેએરિયા છે, જ્યાં પોલીસ સ્ટેશનને અડીને આવેલા પોલીસ ક્વાર્ટર્સમાં રહેતા પોલીસ પરિવારના બાળકો તેમજ અહી આવતા ફરિયાદીઓ-મુલાકાતીઓના બાળકો રમે છે, આનંદપ્રમોદ કરે છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા વેસ્ટ મટિરિયલનો ઉપયોગ પોલીસ સ્ટેશનને ખૂબસુરત બનાવવા માટે ક્રિએટીવ રીતે કરવામાં આવ્યો છે. 
 
નકામા ટાયરોમાંથી કુંડા, પ્લાસ્ટિક બોટલોમાંથી વૃક્ષો માટે દેશી ટપક સિંચાઈ પદ્ધતિ, આર.ઓ. વોટર દીવાલો વારલી પેઇન્ટિંગથી સુશોભિત કરવામાં આવી છે. સાથોસાથ, અહીં ભગવાન શિવની મૂર્તિ અને તેના પર થતી જલધારા તાલુકાવાસીઓ માટે આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બની છે, આ મૂતિ સામે બેસીને ધ્યાન-મેડીટેશન દ્વારા પરમ શાંતિનો અનુભવ મળે છે. દીવાલ પર સ્વચ્છતા અભિયાન અને ટ્રાફિક નિયમન જાગૃત્તિ માટે આકર્ષક પેઈન્ટીંગ બનાવવામાં આવ્યા છે. 
 
ભૂતકાળના સામાન્ય પોલીસ સ્ટેશનને ગ્રીન-મોડેલ પોલીસ સ્ટેશનમાં પરિવર્તિત કરનાર પર્યાવરણપ્રેમી પી.એસ.આઈ. કે.ડી. ભરવાડે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૯માં મારૂ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ થયું ત્યારે અહીં ઘણી અસુવિધાઓ નજરે પડી. હું ખેડૂતપુત્ર હોવાથી વૃક્ષો, પ્રાણી-પક્ષીઓ, પ્રકૃત્તિ પ્રત્યે પહેલેથી જ લગાવ રહ્યો છે. એટલે જ ગ્રીન પોલીસ સ્ટેશન બનાવવાનો વિચાર આવ્યો. ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં વાહનોના વેસ્ટેજ ટાયરો, તૂટેલા પાઈપ, પ્લાસ્ટિક બોટલો, બિનઉપયોગી ડબ્બાઓનો ઉપયોગ કરી તેમાં માટી ભરી રોપા અને વેલા ઉછેરવાની શરૂઆત કરી, વૃક્ષો વાવવાથી જ કામ પૂરૂં ન થઈ જતા તેનો સુવ્યવસ્થિત ઉછેર અને દેખરેખ થાય એ માટે એક નવીનતમ પહેલ શરૂ કરી. જેમાં પોલીસ સ્ટાફના તમામ સભ્યોએ પરિસરમાં એક એક વૃક્ષને ફરજિયાત ઉછેરવા માટે દત્તક લેવાની પ્રેરણા આપી. 
 
રોપા નીચે થડ પર દત્તક લેનાર પોલીસકર્મીનું નામ અને હોદ્દો દર્શાવતી નેમ પ્લેટ પણ મૂકવામાં આવી. જો વૃક્ષ વાવ્યા બાદ કરમાઈ જાય, અધવચ્ચે સૂકાઈ જાય તો રૂ.૧૦૦૦ દંડ નક્કી કરવામાં આવ્યો. પરિણામ એ આવ્યું કે તમામ પોલીસકર્મીઓએ સ્વજનની જેમ વૃક્ષ ઉછેર્યા. આજે પોલીસ સ્ટેશનનું આંગણું હર્યુભર્યું બની ગયું છે. ઉશ્કેરાટમાં, વ્યથિત થઈને પોતાની ફરિયાદ લઈને આવતો અરજદાર અહીં પ્રવેશ્યા બાદ સ્વચ્છતા, હરિયાળી જોઈને બેઘડી પ્રફુલ્લિત થઈ જાય છે. અહીં કામ કરતાં પોલીસકર્મીઓ તણાવમુક્ત બન્યા છે, અને કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે એમ તેઓ ગર્વથી ઉમેરે છે. 
 
પ્રકૃત્તિપ્રેમી પી.એસ.આઈ. કે.ડી.ભરવાડે વધુમાં કહ્યું કે, પક્ષીઓ માટે વેસ્ટ મટિરીયલમાંથી ૧૦૦ થી વધુ માળાઓ બનાવી તમામ વૃક્ષો પર મૂક્યા છે. સાંજે ૬.૦૦ વાગ્યા બાદ ઓછામાં ઓછા ૧૦૦૦ જેટલા પક્ષીઓ પોલીસ સ્ટેશનના વૃક્ષો અને માળામાં બેસવા આવે છે, પક્ષીઓના કલરવથી સમગ્ર માહોલ ખુશનુમા અને ઉર્જાસભર બની જાય છે. રવિવારે માત્ર આ પોલીસ સ્ટેશન નિહાળવા અનેક લોકો આવે છે. 
 
પી.એસ.આઈ. કે.ડી.ભરવાડ કહે છે કે, ક્યારેક મહાનુભાવોનો બંદોબસ્ત હોય અને સ્ટાફ કામગીરીમાં રોકાયેલો હોય તો પણ વૃક્ષોને પાણી મળી રહે, સ્ટેશનની સાફસફાઈ થાય એનું ખાસ ધ્યાન રાખીએ છીએ. અહીના જી.આર.ડી. સ્ટાફ અને પોલીસ સ્ટાફ જાતે જ સાફસફાઈ કરીને પોલીસ સ્ટેશનની સ્વચ્છતા માટે સ્વયંભુ જવાબદારી ઉઠાવી રહ્યા છે. સવારે ફરજ પર આવે ત્યારે વારા પ્રમાણે દરરોજ સાફસફાઈ કરવામાં આવે છે. પોલીસ જવાનોના બાળકો પણ સ્વચ્છતા અને પર્યાવરણ પ્રેમના પાઠ બાળપણથી જ શીખી ગયા છે, અને તેને જીવનમાં આદત સ્વરૂપે અપનાવી રહ્યા છે. 
 
રેન્જ આઈ.જી. એસ.પી.રાજકુમારજી, પૂર્વ એસ.પી. અશોક મુનિયા, ઉષા રાડા, વર્તમાન જિલ્લા પોલીસ વડા હિતેશભાઈ જોયસર દ્વારા પણ મને અને મારા સ્ટાફગણને સતત પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. જેના કારણે અમારા ઉત્સાહમાં પણ વધારો થતાં વધુને વધુ નવીન પહેલ શરૂ કરવાની પ્રેરણા મળી હોવાનું જણાવી પી.એસ.આઈ. કે.ડી.ભરવાડ સમાયંતરે પ્રોત્સાહન પૂરૂ પાડવા બદલ તેમનો આભાર વ્યક્ત કરે છે. 
 
તેઓ પોલીસ સ્ટેશનની આગવી કાર્ય પદ્ધતિ અંગે વાત કરતાં કહે છે કે, આ પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ ખુલ્લા મંડપ આકારનો સમાધાન કક્ષ બનાવવામાં આવ્યો છે. અહીં કોઈ પણ અરજદાર-ફરિયાદી સમસ્યા, ફરિયાદ લઈને આવે ત્યારે સમાધાન કક્ષમાં બેસાડી તેમની સાથે ફરિયાદ બાબતે શાંતિપૂર્વક પૃચ્છા કરવામાં આવે છે. જો સમજાવટથી સમાધાન થઈ શકતું હોય તો મધ્યસ્થી કરવામાં આવે છે, અને પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે છે. ઘરેલુ હિંસાના ૯૯ ટકા કિસ્સાઓમાં સમાધાન કક્ષમાં જ સમાધાનથી જ ફરિયાદનો નિકાલ થઈ જાય છે. 
 
પ્રકૃત્તિપ્રેમી પી.એસ.આઈ. કે.ડી.ભરવાડે પુર્વ વન અને આદિજાતિ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, તમામ રાજકીય પક્ષો, જીઆરડી જવાનો, ઉમરપાડાના વેપારીઓ અને પોલીસ કર્મચારીઓનો ગ્રીન પોલીસ સ્ટેશનના નિર્માણમાં ઉમદા સહયોગ પ્રાપ્ત થયો છે એમ જણાવતા તેમના યોગદાન વિના આ પોલીસ સ્ટેશનને મોડેલ તેમજ ગ્રીન પોલીસ સ્ટેશનમાં પરિવર્તિત કરવું કઠિન હતું એમ તેઓ ઉમેરે છે. તેમણે કહ્યું કે, એલ.આર.ડી. જવાનોને ઘરે કે ખેતરોમાં વર્મી કમ્પોસ્ટ બનાવવાની તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ આત્મનિર્ભર બનીને વધારાની આવક મેળવી રહ્યા છે. 
 
અહીં અમે ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી જીવામૃત્ત પણ બનાવી પ્રાકૃતિક ખેતી થકી કિચન ગાર્ડનમાં તેનો ઉપયોગ કરીએ છીએ. ઉમરપાડા પોલીસ સ્ટેશન દ્વારા બનતા વર્મી કમ્પોસ્ટને પણ કિચન ગાર્ડનમાં ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઉમરપાડા સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાય છે, કારણ કે અહીં જિલ્લાનો સૌથી વધુ વરસાદ પડે છે, ત્યારે રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી વરસાદી પાણીનું એક ટીપું પણ બહાર ન જાય એ માટે જમીનમાં પાણીનો સંગ્રહ થાય, સાથોસાથ જળસ્ત્રોતો રિચાર્જ થાય એવો પણ અમારો આશય છે. 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્ન અને ખેડૂતોની આવકને બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવામાં આ પહેલ થકી નાનકડું યોગદાન આપવાનો અમારો પ્રયાસ છે, ‘વનવિભાગમાં જવાના બદલે પોલીસની નોકરીમાં આવી ગયા..!’ એવું સ્ટાફ હસતા મુખે કહે છે ત્યારે અનોખો આત્મસંતોષ થાય છે એમ પ્રકૃત્તિપ્રેમી પી.એસ.આઈ. કે.ડી.ભરવાડ ઉમેરે છે. સાચે જ, પોલીસ અને પર્યાવરણપ્રેમનો સંગમ રચતું ઉમરપાડા પોલીસ સ્ટેશન દેશના અન્ય પોલીસ સ્ટેશનો, જાહેર અને ખાનગી સંસ્થાઓ માટે નવી દિશા ચીંધી રહ્યું છે.