ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 જૂન 2022 (11:50 IST)

પાવાગઢ મંદિરના શિખર ઉપર કળશ તેમજ ધ્વજદંડને સોનાથી મઢવામાં આવ્યા, જાણો ઇતિહાસ

pavagadh
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાત લેવા જઈ રહ્યા છે. સવારે 11.00 વાગ્યે વડાપ્રધાન પાવાગઢ પહોંચશે જ્યાં શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચન કર્યા બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ થશે. આ વાત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે. આવો જાણીએ કેવી રીતે આ સમગ્ર કામગીરી પાર પાડીને ઇતિહાસને બદલનારા વિકાસયજ્ઞને વેગ આપવામાં આવ્યો.
pavagadh
પંદરમી સદીમાં પાવાગઢ ઉપર ચઢાઈ થયા બાદ 5 સદીથી મંદિરનું શિખર જર્જરિત થઈ ગયું હતું. આ શિખરને હવે નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરવામાં આવ્યું છે. સૌપ્રથમ પાવાગઢ પહાડની ટોચ વિશાળ કરી મોટા પરિસરનો પાયો બનાવવામાં આવ્યો,ત્યારબાદ પરિસરના પહેલા તથા બીજા માળે આનુષંગિક સુવિધાઓ ઉભી કરવામાં આવી. માતાજીના ગર્ભગૃહમાં મૂળ સ્થાપન યથાવત્ રાખીને સંપૂર્ણ મંદિર નવું બનાવી મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવવામાં આવ્યો છે. માતાજીના જૂના મંદિરમાં જ્યાં શિખરની જગ્યાએ દરગાહ હતી તે સમજાવટથી અલગ કરી નવું શિખર બનાવવામાં આવ્યું છે, જેના પર ધ્વજદંડક પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે.
pavagadh
હાલ મંદિરમાં ભક્તોની સુવિધા માટે વિશ્રામગૃહ, પીવાનું શુદ્ધ પાણી, નવા અને સુવિધાસભર શૌચાલય સાથે જ સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથે જ મંદિરના પહેલાના જૂના અને ઉબડખાબડ પગથિયાની જગ્યાએ મોટા અને સુવ્યવસ્થિત પગથિયાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. માંચીથી રોપ-વેના અપરસ્ટેશન સુધી 2200 પગથિયા અને અપરસ્ટેશનથી દૂધિયા તળાવ થઈને માતાજીના મંદિર સુધીના 500 પગથિયાનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.
 
ઉલ્લેખનીય છે કે મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય અંદાજિત રૂપિયા 12 કરોડના ખર્ચે ટ્રસ્ટ દ્વારા સંપન્ન કરવામાં આવ્યું છે. તો મંદિર સિવાયના સમગ્ર સંકુલના વિકાસકામો માટે કરવામાં આવેલ અંદાજિત રૂપિયા125 કરોડના ખર્ચ પૈકી 70 ટકા ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા અને 30 ટકા ખર્ચ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
pavagadh
અતિથિગૃહ અને મલ્ટી-લેવલ પાર્કિંગનું પણ થશે નિર્માણ
આગામી સમયમાં યજ્ઞશાળા દૂધિયા તળાવ પાસે બૃહદ ભોજનશાળા અને પ્રવાસીઓના રાત્રિ રોકાણ માટેની ભક્તિનિવાસ સુવિધાઓ તેમજ છાસિયા તળાવ પાસેથી સીધી જ માતાજીના મંદિર સુધી પહોંચાડતી બે મોટી લિફ્ટ ઊભી કરવામાં આવશે. સાથે જ પાવાગઢ પર્વત પર માતાજીના મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દૂધિયા અને છાસિયા તળાવને જોડતો પ્રદક્ષિણાપથ તૈયાર કરવામાં આવશે. માંચી પાસે અતિથિગૃહ અને મલ્ટી લેવલ પાર્કિંગનું નિર્માણ કરવામાં આવશે. આજુબાજુમાં પર્વત પર વનવિભાગના સહયોગથી મોટાપાયે વૃક્ષારોપણનું આયોજન હાથ ધરાશે.