મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (14:59 IST)

એપ્રિલ માસથી બંધ રહેલ અમદાવાદથી કેવડિયા સુધી ઉડાન ભરનાર -પ્લેન સેવા દિવાળી પૂર્વે શરૂ થવાની શક્યતા

અમદાવાદથી કેવડિયા વચ્ચે 1લી નવેમ્બર 2020થી શરૂ કરાયેલી સી પ્લેન સફર એપ્રિલ માસથી બંધ છે. જો કે હાલ કોરોના કેસ ઘટતા અમદાવાદથી કેવડીયા વચ્ચેની સી- પ્લેન સેવા દિવાળી પૂર્વે ફરી શરૂ કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેનને ફરીથી શરૂ કરવા માટે સપ્ટેમ્બર માસમાં બેઠક મળવાની શક્યતા છે. તેમજ આ સેવા વહેલામાં વહેલી તકે શરૂ કરવા માટે પણ બેઠકમાં રોડ મેપ નક્કી કરવામાં આવશે. જો કોરોનાની ત્રીજી લહેર નહીં આવે તો રાજ્યમાં ફરીથી દિવાળી સુધીમાં સી પ્લેનની સેવા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત સાત ઓગષ્ટના રોજ ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની લિમિટેડ(GUJSAIL)ના અધિકારીઓએ ડીજીસીએની માર્ગદર્શિકા અનુસાર સાબરમતી અને કેવડીયા ખાતે વોટર એરોડ્રોમ કામગીરીના સલામતી અને સુરક્ષા ધોરણોની સમીક્ષા કરવા માટે ડીસીએ, જીએસડીએમએ, એએમસી અને એએઆઈના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ દરમ્યાન નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઓપરેટ થયેલા સી પ્લેનના ભાડા પેટે રાજ્ય સરકારનો વાયાબિલીટી ગેપ ફંડિંગ (વીજીએફ)માંથી બાકી નીકળતા 47 લાખ રૂપિયાનો હિસ્સો ઝડપથી ચુકવી દેવા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જો કે આ અંગે એક અધિકારીએ  જણાવ્યું છે કે આ અંગેના નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે. સિંધિયાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ભાવનગર, જામનગર, કંડલા, પોરબંદર, વડોદરા અને સુરત જેવા સ્થળોએ રાજ્યમાં ઉડ્ડયન માળખાના વિસ્તરણ માટે જરૂરી જમીન સંપાદનને ઝડપી બનાવવા જણાવ્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા સિવિલ એવિએશન ક્ષેત્રે થતા મોટા પરિવર્તનો અંગે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ CM વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. દેશમાં 20 હજાર કરોડના ખર્ચે સિવિલ એવિએશન ક્ષેત્રે વિકાસ અને વિસ્તરણનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના એરપોર્ટના વિકાસ અને વિસ્તાર માટે સૂચન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 145 મી જન્મજયંતિએ 31 ઓક્ટોબર 2020 ના રોજ ભારતની પ્રથમ સી પ્લેન સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. કેવડિયામાં યોજાયેલા કાર્યક્રમમાં પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાબરમતી નદી સુધી ચાલતી આ સી-પ્લેન સેવાનો પ્રારંભ કર્યો હતો. 01  નવેમ્બરથી સી પ્લેન સેવા ઔપચારિક રીતે શરૂ કરવામાં આવી હતી. જો કે તેના થોડા સમય બાદ ટેકનિકલ ખરાબીના કારણે બંધ કરવાની ફરજ પડી હતી. તેમજ એપ્રિલ 2021માં કોરોનાની બીજી લહેરની વ્યાપક અસર બાદ સી-  પ્લેન સેવા બંધ કરવામાં આવી છે. જે  હજુ પણ બંધ છે. તેમજ હવે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સી -પ્લેન સેવા ફરી શરૂ કરવા અંગેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.