રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2020 (14:37 IST)

ખંભાતના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાંચ દિવસ બાદ પણ અજંપાભરી સ્થિતિ

ખંભાતમાં થયેલ કોમી રમખાણોના પાંચમા દિવસ બાદ ગુરૂવારે જન-જીવન લગભગ થાળે પડ્યું હતું. પોલીસના ચુસ્ત પેટ્રોલિંગ અને બંદોબસ્ત વચ્ચે લોકોની અવર-જવર સામાન્ય બની હતી. મોટાભાગની દુકાનો ખુલી હતી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારો હજુ પણ એવાં ને એવા જ છે. હજુ પણ ઘરો-રસ્તાઓ સુમસામ પડ્યા છે. જ્યારે બીજી તરફ શાળા-કોલેજો અને સરકારી કચેરીઓ રાબેતા મુજબ ધમ-ધમી હતી.

ખંભાતમાં ગત રવિવારે બે કોમ વચ્ચે થયેલી હિસા બાદ પાચમા દિવસે શહેર ધબકતું થયું હતું. ગુરૂવારે સવારે રાબેતા મુજબ કેટલીક દુકાનો ખુલી હતી. ખંભાતના અકબરપુર, લાલ દરવાજા, બાવાબાજીસા, ભોઈબારી, ભાવસારવાડ અને મોચીવાડ વિસ્તારમાં કેટલાંય લોકો રમખાણને પગલે પોતાના ઘર-માલ-સામાન છોડીને જતા રહ્યા હતા. જેને પગલે તોફાનીઓએ તેને ફૂંકી માર્યા હતા.
આ બનાવને પગલે સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારો હજુ પણ ભેંકાર ભાસી રહ્યા છે. જોકે, આ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આમ, તો મોચીવાડમાં થયેલી છેલ્લી ઘટના પછી એકપણ અનિચ્છનીય બનાવ બન્યો નહતો. બીજી તરફ પોલીસ દ્વારા પણ સમગ્ર બનાવમાં અફવાઓથી દૂર રહેવા અને ખોટા મેસેજ સોશ્યલ મીડિયા પર વાઈરલ ન કરવા માટે જણાવ્યું હતું.