સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023 (13:27 IST)

Bhavnagar News - ભાવનગરની સરટી હોસ્પિટલમાં મોડી રાત્રે ફાયરિંગઃ પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીએ પતિ પર ગોળી છોડી

Bhavnagar hospital firing
Bhavnagar hospital firing
ભાવનગર શહેરમાં પાંચ સંતાનોની માતાને અન્ય પુરૂષ સાથે પ્રેમસંબંધ હોવાથી પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્ની ઘરેથી નીકળી ગઈ હતી અને રાત્રે 108ના કર્મચારીનો ફોન આવ્યો હતો કે તમારી પત્ની ઈજાગ્રસ્ત થઈ છે અને અમે તેને સરટી હોસ્પિટલ લઈ જઈએ છીએ તમે ત્યાં પહોંચો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત પ્રેમિકાની ખબર-અંતર પુછવા આવેલ પ્રેમીએ પતિ પર એક રાઉન્ડ ફાયરીંગ કરી ફરાર થઈ ગયો છે.

મધરાતે શહેરની સર્ટી હોસ્પિટલમાં ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઇ છે અને ફરિયાદના આધારે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. ભાવનગરના નવાપરા વિસ્તારમાં રહીમ પત્ની સહિત પાંચ સંતાનો સાથે રહે છે. આ યુવાનની પત્નીને જૂની માણેકવાડી વિસ્તારમાં રહેતા ઈર્શાદ પ્રેમ થઈ ગયો હતો. આ વાતની જાણ પતિને થતાં તેણે પત્નીને પ્રેમી સાથે વીડિયો કોલમા વાત કરતાં ઝડપી લીધા હતા. ત્યારબાદ ઘર સંસાર ન બગડે તેથી પત્ની તથા પ્રેમીને આ અનૈતિક સંબંધો અટકાવી દેવા જણાવ્યું હતું. ગઇકાલે પતિએ ફરીથી પત્નીને પ્રેમી સાથે ઝડપી હતી. જેને લઇને બંને વચ્ચે ઝઘડો તથાં પત્ની ઘરેથી બહાર ચાલી ગઇ હતી.

આ દરમિયાન તેના પતિના મોબાઇલ પર મોડી રાત્રે 108ના કર્મચારીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારી પત્નીને માથાના ભાગે ઇજાઓ પહોંચેલી છે અમે સરટી હોસ્પિટલ લઇ જઇએ છીએ તમે પહોંચો. આ કોલ બાદ પતિ અન્ય પરિવારજનો સાથે સરટી હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં પત્નીને માથામાં વાગ્યું હોવાથી તબીબોએ સારવાર આપી ડિસ્ચાર્જ કરી હતી.પતિ પત્નીને અન્ય મહિલા સાથે રિક્ષામાં બેસાડીને તેના પિતાના ઘરે જવા રવાના કરી હતી અને પોતે સર્ટી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડ પાસે ઉભો હતો. આ દરમિયાન બાઈક પર મિત્ર સાથે આવેલા પ્રેમી ઈર્શાદે ઈમરજન્સી વોર્ડમાં પ્રેમીકાની ખબર-અંતર પુછવા જતાં પતિએ જણાવ્યું હતું કે એને ડિસ્ચાર્જ કરી દીધી છે એમ કહી અટકાવ્યો હતો. જેને લઇને ઉશ્કેરાયેલા પ્રેમી ઈર્શાદે ઝઘડો કરી પતિ સામે તમંચો તાકી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે, નિશાન ચૂકી જતાં ગોળી રકિફના પગ પાસે જમીન પર લાગી હતી. ફાયરિંગ કરીને પ્રેમી ફરાર થઇ ગયો હતો.

મધરાત્રે હોસ્પિટલમાં ફાયરિંગ થતાં લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. સ્થાનિકોએ જાણ કરતાં શહેરની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પતિની ફરિયાદના આધારે ઈર્શાદ વિરુદ્ધ ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યાં છે.