1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 ફેબ્રુઆરી 2021 (13:05 IST)

અમદાવાદ અને ભાવનગરમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ થતાં હાઈકોર્ટમાં અરજી, ત્રણેય અરજીઓ ફગાવાઈ

સિંગરવામા કોંગ્રેસના ઉમેદવારના ઘરમાં શૌચાલય ન હોવાથી જિલ્લા પંચાયતનું ફોર્મ રદ
 
અમદાવાદ અને ભાવનગરમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ થતાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ ત્રણેય ઉમેદવારોની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ અરજીઓને લઈને એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે હાલમાં ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોવાથી અરજીઓ ટકી શકે નહીં, અરજદાર ઈચ્છે તો ચૂંટણી બાદ ઈલેક્શન પીટીશન કરી શકશે. કોંગ્રેસના દિનેશ પરમાર, દેવલબેન ચાવડા અને શિલ્પાબેન રાણાની અરજીઓ હાઈકોર્ટે ફગાવી દીધી છે. ઉમેદવારી રદ થવાના કિસ્સાઓમાં એક ફોર્મમાં ઉમેદવારના વાસ્તવિક નામ અને મેન્ડેટના નામમાં તફાવત હોવાથી ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. બીજા કિસ્સામાં ઉમેદવારના ટેકેદારોને પ્રવેશ નહીં મળતાં ટેકેદારની સહી બાકી હોવાથી ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. જ્યારે ત્રીજા કિસ્સામાં સોગંદનામું નિર્દિષ્ટ ફોર્મેટમાં નહીં હોવાના કારણે ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું.
કોંગ્રેસના ઉમેદવારના ઘરમાં શૌચાલય ન હોવાથી જિલ્લા પંચાયતનું ફોર્મ રદ
અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટેની ચૂંટણીમાં દસક્રોઇ તાલુકાની બે બેઠકોમાંથી ભૂવાલડીમાં મેન્ડેટમાં નામ નહીં હોવાનું અને સિંગરવામાં સોસાયટીમાં રહેતા ઉમેદવાર પાસે શૌચાલય નહીં હોવાનું જણાવી કોંગ્રેસના બંને ઉમેદવારોના ફોર્મ રદ કરાયા હતાં. બંને ફોર્મ રાજ્યના ગૃહમંત્રીના ઇશારે રદ કરાયા હોવાનો જિલ્લા કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કરતા કહ્યું કે, બે દિવસમાં હાઇકોર્ટમાં અરજી કરાશે. જોકે ભાજપે આક્ષેપ ફગાવી કોંગ્રેસની નબળાઇ હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપ 71, કોંગ્રેસ 66 અને આપના 24 સહિત કુલ 197 ઉમેદવારો મેદાનમાં છે.
પાલિકા, પંચાયતોની 39 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ
રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 39 બેઠકો ભાજપને બીન હરીફ મળી ગઈ છે.ફોર્મ ભરાયાંના અંતિમ દિવસે જ જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની એક-એક, સુરતની ઓલપાડ અને ચોર્યાસી તાલુકા પંચાયતની એક-એક, અમદાવાદની દસ્ક્રોઇ તાલુકા પંચાયતની બે, કચ્છની ભૂજ તાલુકા પંચાયતની એક, જૂનાગઢ તાલુકા પંચાયતની એક, ભાવનગરની ઉમરાળા તાલુકા પંચાયતની બે તથા સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી તાલુકા પંચાયત અને વઢવાણ તાલુકા પંચાયતની એક-એક, ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની એક તથા થાનગઢ તાલુકા પંચાયતની પાંચ એમ કુલ મળીને 17 તાલુકા પંચાયત બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયાં છે. આ ઉપરાંત ભૂજ નગરપાલિકાની બે તથા ધ્રાંગધ્રા નગરપાલિકાની 5 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યાં છે.