શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 ફેબ્રુઆરી 2021 (10:51 IST)

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ‘આપ’ની રેલીમાં ભીડ ઉમટતાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દોડતા થયા

ચૂંટણી પ્રચાર શરૂ થયા બાદ આપના ઉમેદવારોએ ઘરે-ઘરે જઈને લોકોના પ્રશ્નો ઉઠાવવાની ખાતરી આપી
જે બેઠકો ભાજપ સીધેસીધી જીતી જતું હતું ત્યાં પણ ‘આપ’ના ઉમેદવારોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે
 
ગુજરાતમાં 6 શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન આગામી 21 ફેબ્રુઆરીએ થવાનું છે. ત્યારે આ વખતે ચોથા વિકલ્પ તરીકેનો જંગ ખેલાય તેવા સંજોગો પ્રવર્તી રહ્યા છે. જેને લઈને વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણીમાં આમ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થતી હોય છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં અન્ય પક્ષ ચિંતામાં મુકાયા છે. આ દરમિયાન આપના ઉમેદવારોની રેલીઓમાં ઉમટી રહેલી ભારી ભીડે ભાજપ અને કોંગ્રેસની પણ ઊંઘ ઉડાડી દીધી છે.
 
આપની રેલીમાં મોટી ભીડથી ભાજપ અને કોંગ્રેસમાં ચિંતા
 
મળતી માહિતી પ્રમાણે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આપની રેલીઓમાં જંગી જનમેદનીના પગલે અન્ય રાજકીય પક્ષોની ઊંધ ઉડી ગઈ છે. શહેરનો પશ્ચિમ વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે, અને તેમા જ આપની રેલીઓમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ ભીડને કારણે ભાજપને મત મેળવવામાં નુકસાન થવાની શક્યતા છે. રેલીઓને લઈને ભાજપનું મોવડી મંડળ પણ ચિંતામાં મુકાઈ ગયું છે. બીજી બાજુ કોંગ્રેસના બેઉ બગડ્યા જેવી સ્થિતિ છે. અમદાવાદમાં કાર્યકરોમાં ભારે વિરોધ અને નારાજગી સહિત આપની રેલીઓમાં ઉમટેલી ભીડે કોંગ્રેસની ચિંતામાં ભારે વધારો કર્યો છે. 
 
આપના ઉમેદવારોએ લોકોના પ્રશ્નો ઉઠાવવાની ખાતરી આપી
 
પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણીની જાહેરાત વખતે આપની અસર કોર્પોરેશનની ચૂંટણીમાં વર્તાય તેવું લાગતું નહોતું, પરંતુ ચૂંટણી પ્રચાર શરૂ થયા બાદ આપના ઉમેદવારોએ ઘરે-ઘરે જઈને લોકોના પ્રશ્નો ઉઠાવવાની ખાતરી આપી. આ દરમિયાન રવિવારે આપના ઉમેદવારો વિવિધ વિસ્તારોમાં રેલીઓ યોજી હતી. આ દરમિયાન બાઈક પર જ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેના કારણે ઘણા વિસ્તારોમાં ટ્રાફિક પણ અટવાયો હતો. આમ આપના ઉમેદવારોની રેલીઓમાં જંગી ભીડ ભેગી થતાં ચૂંટણીની ચિત્ર બદલાઈ રહ્યું છે!
 
ભાજપના ગઢમાં આપના ઉમેદવારોને પ્રતિસાદ મળ્યો
 
રાજ્યની 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે જેની મતગણતરી બીજી માર્ચે કરવામાં આવશે. જે બેઠકો ભાજપ સીધેસીધી જીતી જતું હતું ત્યાં પણ આપના ઉમેદવારોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે, અને તેના લીધે ભાજપના ઉમેદવારો દોડતા થયા છે.