બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 ડિસેમ્બર 2019 (11:29 IST)

સુરતની લેડી ડોન ‘ભૂરી’ વિદેશી દારૂની 215 બોટલ સાથે ઝડપાઇ

સુરતના વરાછા વિસ્તારમાં પોતાની દબંગાઈને કારણે લેડી ડોન ભૂરીને પોલીસે દારૂની હેરાફેરી કરતાં ઝડપી પાડી છે. પોલીસને તેની પાસેથી 215 બોટલ મળી આવી છે. પોલીસે બાતમીના આધારે ભૂરી અને તેના સાગરીત સાથે દારૂ, ફોન અને કાર સહિત કુલ 2 લાખ 89 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભૂરી અને તેના સાગરીત પાસેથી અઢી લાખની સ્કોડા રેપીડ ગાડી(નંબર જીજે 06 એફ કે 670)માંથી વગર પરમીટનો 215 નંગ અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બે મોબાઈલ સાથે કુલ 2 લાખ 89 હજાર 040નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

ભૂરી આ અગાઉ ઘણીવાર ચર્ચામાં આવી ચૂકી છે. ભૂરીને 2018ની ધૂળેટી બાદ પ્રથમવાર વીડિયો વાયરલ થતાં ફરિયાદના આધારે ઝડપી લેવામાં આવી હતી. ત્યારબાદ જામીન પર છૂટી ફરી દંગલ કરતાં જેલ ભેગી થઈ હતી. જેમાં તેને પાસા પણ થયા હતાં. દીવમાં દંગલ કરતા જેલમાં ધકેલાયેલી ભૂરી બાદમાં સુરતમાં રસ્તા પર ઝઘડો કરતી જોવા મળી હતી.હવે તેણી દારૂના કેસમાં ઝડપાઈ છે.

31 ફર્સ્ટ આવી રહી હોવાથી શહેરમાં દારૂનો સપ્લાય કરવામાં આવી રહ્યો હોવાની પોલીસને શંકા હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી આ બંનેની ધરપકડ કરી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ભૂરી જાહેરમાં લોકો સાથે મારામારી અને હથિયારો લઈને ફરતી જોવા મળી હતી.