બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 ડિસેમ્બર 2019 (10:05 IST)

વિશ્વામિત્રી નદીમાં દર વર્ષે આવતા પૂરનો આવશે કાયમી ઉકેલ, સમગ્ર દેશમાં મોડેલ રૂપ બેનમૂન પ્રોજેકટ બનશે

વડોદરા મહાનગરની વિશ્વામિત્રી નદીના ઉદગમ સ્થાન પાવાગઢથી તેના અંતિમ છૌર ખંભાતના અખાત સુધીના સમગ્ર નદી વિસ્તારના સર્વગ્રાહી વિકાસ આયોજનને ઓપ આપવા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે આ સૂચનો કરતાં કહ્યું કે, વિશ્વામિત્રી નદીમાં દર વર્ષે આવતા પૂરને પરિણામે વડોદરાના જનજીવનને જે અસર પડે છે તેના કાયમી નિવારણ માટે એક સર્વગ્રાહી આયોજન ઘડવું જરૂરી છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂ થયેલા પ્રેઝન્ટેશનની ચર્ચા-વિચારણા દરમિયાન વિજય રૂપાણીએ વડોદરા મહાનગરના તંત્રવાહકો અને મહાપાલિકાના પદાધિકારીઓને સૂચવ્યું કે, વિશ્વામિત્રી નદી વડોદરા નગરની સુંદરતામાં વૃદ્ધિ કરે તેવી પ્રદૂષણ રહિત અને બારેય માસ સતત શુદ્ધ જળપ્રવાહ વહેતો રહે, ગ્રીન કવર પણ વધે તેવી વ્યવસ્થાઓ આ આયોજનમાં થવી જરૂરી છે. તેમણે વિશ્વામિત્રી નદી પરનો આ પ્રોજેકટ સમગ્ર દેશમાં બેનમૂન અને મોડેલરૂપ બની રહે તેવો હોલીસ્ટીક પ્રોજેકટ નિર્માણ થાય તે માટે પણ સૂચનો કર્યા હતા.

વિશ્વામિત્રીમાં વારંવાર આવતા પૂરના નિયંત્રણ માટે પણ આ આયોજનમાં સવિશેષ કાળજી લેવાવી જોઇએ. મુખ્યમંત્રીએ આ પ્રોજેકટ માટેના DPR વડોદરા મહાનગરપાલિકા સત્વરે બનાવે તેમજ આ હેતુસર વર્લ્ડ કલાસ એજન્સીને DPR તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવે તેવું પણ સૂચવ્યું હતું. તેમણે આ DPR તૈયાર કરીને કેન્દ્ર સરકારમાં સહાય માટે રજૂ કરવાનો પણ બેઠકમાં અનુરોધ કર્યો હતો.

આ પ્રોજેકટ કેન્દ્ર સરકાર – રાજ્ય સરકારના ૬૦:૪૦ના રેશીયો પ્રમાણેની સહાયથી સાકાર થાય તે માટેની રજૂઆત કરવા તથા નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના દિશાનિર્દેશોના સંપૂર્ણ આદર સાથે પ્રોજેકટ પૂર્ણ થાય તે અંગે પણ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.