રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 26 ડિસેમ્બર 2019 (17:57 IST)

મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ જાહેરાત, તીડના આક્રમણથી ખેડૂતોને પાક થયેલા નુકશાનીનો સર્વે કરીને સહાય આપશે

તાજેતરમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વિસ્તારમાં થયેલા તીડના આક્રમણના પગલે ખેડૂતો માટે ઉભી થયેલી સમસ્યા સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત ચિંતિત છે. રાજ્ય સરકારે તીડ નિયંત્રણ માટે દવા છંટકાવ સહિતના તમામ પગલાઓ તાકીદે લીધા છે. વિજય રૂપાણીએ એમ પણ જાહેર કર્યું કે, તીડના આ હુમલાથી ખેડૂતોને પાક કે ખેતી સંદર્ભમાં થયેલા નુકશાનની સામે રાજ્ય સરકાર નુકસાનીનો સર્વે કરીને સંભવ સહાય આપશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તીડના આક્રમણને ખાળવા રાજ્ય સરકારે સંખ્યાબંધ પગલાં લીધા છે. 
 
તીડના ટ્રેકિંગ માટે કુલ ૨૭ ટીમોની રચના કરવામાં આવી છે જેના થકી તીડનું લોકેશન મેળવી ભારત સરકારની લોકસ્ટ કંટ્રોલ ટીમ સાથે શેર કરવામાં આવે છે. ખેતીવાડી ખાતાની ટીમો તથા ભારત સરકારના લોકસ્ટ કંટ્રોલ ઓફિસ મારફતે મેલાથીઓન 96% દવા નો છંટકાવ કરીને મોટાપાયે તીડ નિયંત્રણ કરવામાં આવ્યું છે. ખેતીવાડી ખાતાની ફિલ્ડની ટીમો દ્વારા તીડની હાજરી અંગે સતત ટ્રેકિંગ કરવામાં આવે છે. અને રાત્રે જ્યાં તીડનું ઝુંડ સેટલ થાય તેનું લોકેશન ભારત સરકારની લોકસ્ટ કંટ્રોલ ટીમને આપવામાં આવે છે જેથી વહેલી સવારે દવા નો છંટકાવ કરી તેનું નિયંત્રણ થઈ શકે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના ૧૧ તાલુકાઓના ૯૫ ગામોમાં તીડની હાજરી જોવા મળી હતી. લોકસ્ટ કંટ્રોલ ટીમની મદદથી કુલ ૧૮૧૫ હેક્ટરમાં જંતુનાશક દવા મેલાથીઓન 96% નો છંટકાવ કરી તેનું નિયંત્રણ કરવામાં આવ્યું છે. 
 
તીડના ટોળા ખેતરોમાં બેસે નહિ તે માટે ખેડૂતોને થાળી, નગારા વગાડવા, અવાજો કરી બેસતા રોકવા માટેના પ્રયત્નો કરવાની  જાગૃતિ દાખવવા પણ મુખ્યમંત્રી એ ખેડૂતો ને અનુરોધ કર્યો છે. રાત્રિના સમયે દવા છંટકાવ કરવામાં આવે તો અસરકારક નિયંત્રણ મેળવી શકાતું નથી. આથી સવારે પાંચથી છ વાગ્યા આસપાસ દવા છંટકાવ કરવાની શરૂઆત કરવામાં આવે છે. તડકા ની શરૂઆત થતા દસ વાગ્યાની આસપાસ ઉડવાની શરૂઆત કરે છે જેથી તેના નિયંત્રણ માટે ચાર કલાક જેટલો સમય મળે છે અને આ સમયમાં દવા છાંટી તેનું નિયંત્રણ કરવામાં આવે છે.
 
મુખ્યમંત્રીએ કહ્યું કે તીડ ના નિયંત્રણ માટે ની આ દવા નો હેલિકોપ્ટર થી છંટકાવ થઈ શકતો નથી તેથી ૨૦ જેટલા ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર મારફત ખેતરોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.  તીડના ટોળા પવન ની ગતિ મુજબ દિશા બદલતા હોય છે એ સંદર્ભમાં આ ઉપદ્રવ હજુ થોડા દિવસ રહેવાની શક્યતા છે. સમગ્ર તંત્ર તેના નિયંત્રણ માટે કાર્યરત છે. જિલ્લા તંત્રને તેના નિયંત્રણ અંગેની કામગીરી કરવા માટે તમામ પ્રકારની શક્યતાઓને ધ્યાનમાં લઇ યોગ્ય લાગે તે કામગીરી કરવા મંજૂરી આપવામાં આવી છે. તીડનો આ પ્રકોપ કુદરતી છે અને તેના નિયંત્રણ માટેના પ્રયત્નો ચાલુ છે. આ સમયે આપણે ખેડૂતો સાથે રહીએ અને કૃષિને સંભવિત નુકશાનથી બચાવી શકાય.