રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 ડિસેમ્બર 2019 (09:40 IST)

આખા ભારતના કુલ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનું 40 ટકા ઇન્વેસ્ટમેન્ટ માત્ર ગુજરાતનું છે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, 5 ટ્રીલિયન ઇકોનોમી એટલે કે 350 લાખ કરોડ રૂપિયાની ઇકોનોમીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષ્યાંક આપ્યો છે. આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં ગુજરાતએ લીડ લીધી છે. નરેન્દ્ર મોદીએ જે દિશા આપી છે એ દિશામાં ગુજરાત આજે આગળ વધી રહ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી કરવા માટે ગુજરાતે ઓછામાં ઓછી 1.5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી કરવી પડશે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. દેશનો જીડીપી 5 ટકા છે, પણ ગુજરાતનો જીડીપી આજે 9 ટકા છે. ગુજરાત આ દિશામાં પણ લીડ લઇને આગળ વધી રહ્યું છે. 
 
વર્ષ 2000 પહેલા ગુજરાતમાં માત્ર 12 યુનિવર્સિટીઓ અને 3 એન્જિનિયરિંગ કોલેજ હતી. છેલ્લા બે દાયકામાં આજે ગુજરાતમાં 72 યુનિવર્સિટીઓ થઇ ગઇ છે. એટલે એજ્યુકેશનના ક્ષેત્રમાં ગુજરાતમાં છેલ્લાં બે દાયકામાં ઘણું પરિવર્તન આવી ગયું છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે ખાનગી યુનિવર્સિટીઓનો કોન્સેપ્ટ ખુલ્લો મુક્યો છે, એમાંય સેક્ટોરિયલ યુનિવર્સિટીનો કોન્સેપ્ટ પણ રાજ્ય સરકાર લાવી છે. આજે વર્લ્ડના લોકો ગુજરાતમાં અભ્યાસ કરવા માટે આવતા થઇ ગયા છે, જે વાઇબ્રન્ટ ગુજરાતને કારણે શક્ય બન્યું છે.
 
અમદાવાદમાં જીએલએસમાં ‘ક્રિએટિવિટી ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ફોર સસ્ટેનેબલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયન ઇકોનોમી’ વિષય પર આયોજીત નેશનલ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, યુવાનોને યોગ્ય તક મળે એ આવશ્યક છે. કેમ કે યુવાનને માત્ર એક તકની જરૂર હોય છે. યુવાનને તક મળતા જ એ પોતાની શક્તિથી આગળ વધીને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનો ફાળો આપે છે.
 
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ એક ઐતિહાસિક કેમ્પસ છે, કારણ કે, વર્ષ 1927માં સરદાર વલ્લભભાઇ પટેલ અને ગણેશ માવળંકર સાહેબે જ્યારે આ કેમ્પસની સ્થાપના કરી ત્યારથી ગુજરાતની એક સારી શૈક્ષણિક સંસ્થા તરીકેની છાપ આ સંસ્થાએ ઊભી કરી છે. આ સંસ્થાએ અનેક વિદ્યાર્થીઓનું ઘડતર કરી ગુજરાતના વિકાસ માટે અને રાષ્ટ્ર નિર્માણમાં તેમનો ફાળો રહે એ પ્રકારે અનેક વિદ્યાર્થીઓનું નિર્માણ કર્યું છે, ત્યારે આ સંસ્થાના કોઇ કાર્યક્રમમાં હાજરી આપવી એ મારી માટે એક આનંદની વાત છે.
 
વર્ષ 2000 પહેલા ગુજરાતનું બજેટ માત્ર 14 હજાર કરોડ રૂપિયા હતું, ગયા વર્ષે ગુજરાત સરકારે જે બજેટ મુક્યું એ 2 લાખ 10 હજાર કરોડ રૂપિયાનું છે. વર્ષ 2000 પહેલા એગ્રિકલ્ચર પ્રોડક્શન 40 હજાર કરોડ રૂપિયાનું હતું, ગયા વર્ષના આંકડા અનુસાર 1 લાખ 60 હજાર કરોડનું એગ્રિકલ્ચર પ્રોડક્શન ગુજરાતે કર્યું છે. એટલે કે છેલ્લા બે દાયકામાં ગુજરાતની વિકાસગાથા સતત આગળ વધી રહી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કપાસ, તેલીબીયાં, મસાલા અને મગફળીના પ્રોડક્શનમાં પણ આખા ભારતમાં ગુજરાત નંબર વન પર છે, આ દિશામાં પણ ગુજરાત સતત વિકાસ કરતું આવ્યું છે.
 
ભારતની માથાદીઠ આવક એવરેજ 1 લાખ 10 હજાર રૂપિયા વાર્ષિક છે, જ્યારે ગુજરાત પોણા બે લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. એટલે કે 1.75 લાખ રૂપિયા આપણી માથાદીઠ આવક છે, એટલે કે રોજગાર ક્ષેત્રમાં પણ ગુજરાત આગળ વધી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, આખા ભારતના કુલ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનું 40 ટકા ઇન્વેસ્ટમેન્ટ માત્ર ગુજરાતનું છે, એ ગુજરાત માટે એક ગર્વની વાત છે.