પાટણમાં લીંબુ ઝગડાનું કારણ બન્યું, પડોશીના ઘરેથી લીંબુ લઈ જતા, બે પડોશીઓ વચ્ચે મારામારી
લીંબુના ભાવામાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. વધી રહેલા ભાવને લઈ લોકોમાં ભારે પરેશાની જોવા મળી રહી છે. ત્યારે લીંબુના કારણે પાટણમાં એક મહિલાને માર મારતા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ બનાવની મળતી માહિતી પ્રમાણે, પાટણ જિલ્લાના હારીજના કાઠી ગામમાં એક મહિલાએ ઝગડો થતા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી છે અને આ ઝગડાનું કારણ લીંબુ બન્યું છે.
પાટણમાં લીંબુને લઇ ફરિયાદ થઇ છે. હંસાબેન ઠાકોર નામની મહિલાનો આરોપ છે કે, તેમના પાડોશીએ ચાર પાંચ લીંબુ માટે તેમને ઢોર માર માર્યો હતો. તેમના પાડોશીએ પહેલા આરોપ લગાવ્યો કે તમારી છોકરી મારા ઘરેથી લીંબુ લઇ ગઇ હતી. તે પાછા આપો. જો કે મહિલાએ જણાવ્યું કે, મારી દિકરી ક્યારે પણ તમારી પાસેથી લીંબુ લઇ નથી ગઇ તે પાછા કેમ આપીએ.જેથી બન્ને વચ્ચે તૂં તૂં મે મેં થઈ હતી અને પછી ઉગ્ર બોલાચાલી થવા લાગી હતી. જેથી ઉશ્કેરાયેલી પાડોશી મહિલાએ પોતાના પતિને બોલાવ્યો હતો અને ત્યાર બાદ પતિ અને પત્નીએ મળીને હંસાબેન ઠાકોરને માર માર્યો હતો. આ પ્રકારે ચાર પાંચ લીંબુનો મુદ્દો લોહીયાળ બન્યો હતો. હાલ તો હારીજ પોલીસ સ્ટેશનમાં અનિતા ઠાકોર તેમજ શૈલેષ ઠાકોર (રહે. કાઠી ગામ) વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.