1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 ડિસેમ્બર 2021 (09:34 IST)

રાજ્યના શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પશુપાલકોએ લાઇસન્સ લેવું પડશે, રખડતાં ઢોરની સમસ્યા નિવારવા નિર્ણય

રાજ્યના મોટા ભાગના શહેરી વિસ્તારોમાં રખડતાં ઢોરથી નાગરિકો અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. ઢોરને કારણે સર્જાતા અકસ્માતથી સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે રાજ્ય સરકાર હવે આ સમસ્યાના નિરાકરણ માટે નવો કાયદો લાવવા જઈ રહી છે, જે મુજબ શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા માટે પશુપાલકોને લાઇસન્સ અપાશે અને લાઇસન્સ નહીં હોય તેવા માલિકોના પશુઓને જપ્ત કરાશે.હાલની જોગવાઈઓ મુજબ મહાનગરોમાં ઢોર રાખી શકાતાં નથી, પરંતુ સ્થાનિક મહાનગરપાલિકાઓ દ્વારા તેના ચુસ્ત અમલીકરણ સામે પ્રશ્નો ઊભા થયા છે, જેથી શહેરી વિસ્તારોમાં ઢોરનો પ્રશ્ન આયોજનબદ્ધ રીતે ઉકેલાય અને પશુપાલકોને શહેરની બહાર પણ ખસેડવા ન પડે તે પ્રકારનું આયોજન વિચારાઈ રહ્યું છે. આ માટે લાઇસન્સ આપવાની કામગીરી શરૂ કરાઈ છે. જે પશુપાલકો શહેરમાં પશુઓને રાખી શકાય તે માટેની યોગ્ય અને નિયમાનુસારની જગ્યા ધરાવતા હશે તેમને જ લાઇસન્સ ઇશ્યૂ કરી આપવામાં આવશે.પશુપાલકો પાસે આ જમીન કાયદેસરની હોવી જોઈશે અને તેમાં પશુઓ મુક્ત રીતે હરીફરી શકે, તેમના ઘાસચારાની વ્યવસ્થા થઈ શકે તેવી સુવિધા રાખવાની રહેશે. આસપાસના વસાહતીઓ અને ટ્રાફિકને અડચણ ન થાય તે સહિતની શરતો મૂકવામાં આવશે. શરતોના ભંગ બદલ કાયદામાં સજાની જોગવાઈ પણ કરવામાં આવશે. રાજ્યકક્ષાના મંત્રી વિનુ મોરડિયાએ કહ્યું કે, વિભાગના અધિકારીઓની બેઠક બોલાવીને વિસ્તૃત આયોજન કર્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.