ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 નવેમ્બર 2021 (15:42 IST)

ગોધરામાં ખ્રિસ્તી ધર્મના 12 લોકો હિન્દુઓનું ધર્માંતરણ કરાવતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોનો હોબાળો

ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આવેલી શિવશક્તિ સોસાયટીના એક મકાનમાં ધર્મપરિવર્તન કરાવવામાં આવતુ હોવાના આક્ષેપ સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો. સિંધી પરિવારના મકાનમાં રાત્રિના સમયે ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાના આક્ષેપ સાથે લોક ટોળાએ હોબાળો કરતા ગોધરા એ-ડિવીઝન પોલીસ દોડી ગઇ હતી અને મકાનમાં તપાસ કરતા નડિયાદથી આવેલા 12 જેટલા ખ્રિસ્તી ધર્મના લોકો મળી આવ્યા હતા. તમામ લોકોને પોલીસ સ્ટેશન લઇ જઇને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

મકાન માલિકની પૂછપરછ દરમિયાન બર્થ ડે પાર્ટી હોવાથી મિત્રોને બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે ધર્મ પરિવર્તનની કામગીરી થતી હોવાની સ્થાનિકોની ઉગ્ર રજુઆત કરી હતી. પોલીસે અરજીને આધારે આ મામલે તપાસ શરૂ કરી છે. નડિયાદ, આણંદ અને પેટલાદથી ખ્રિસ્તી ધર્મના 12 લોકો આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.પંચમહાલ ડીવાયએસપી હિમાલા જોષીએ જણાવ્યું હતું કે, પોલીસને વર્ધી મળી હતી કે, પ્રતિકભાઇ ખીમાણીના ઘરે બર્થ ડે પાર્ટીની ઉજવણી થતી હતી અને તેમાં બહારના લોકો આવ્યા હતા. જેમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા હતા. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેથી તમામ લોકોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને અરજીને આધારે નિવેદનો લઇને ગોધરા એ ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે 12 લોકોના નામ આપવામાં આવ્યા છે. તે તમામ ખ્રિસ્તી સમુદાય છે. તપાસની માહિતીને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

વિશ્વ હિન્દુ પરિષદના પંચમહાલ વિભાગના મંત્રી ઇમેશ પરીખે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ગોધરાની આસપાસના વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. અમને એવી માહિતી મળી હતી કે, નડિયાદ, ખેડા અને આણંદના વિસ્તારોમાંથી મિશનરીઓ દ્વારા ગોધરામાં હિન્દુ પરિવારોનું ધર્માંતરણની પ્રવૃત્તિઓ થઇ રહી છે. ગઇકાલે અમને માહિતી મળી હતી કે, ગોધરામાં હિન્દુ પરિવારને ત્યાં નડિયાદથી 3 વાહનો લઇને 16થી 17 ઇસમો આવ્યા છે અને ધર્મ પરિવર્તન માટે એકત્રિત થયા છે. જેથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા અને હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા અને પોલીસને બોલાવીને ઘટનાની જાણ કરી હતી. પોલીસ બધા જ આરોપીઓને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે.