રાજ્ય સરકારના લવ જેહાદના કાયદાને પડકારતી બે અરજી હાઇકોર્ટે સ્વીકારી

Last Modified મંગળવાર, 20 જુલાઈ 2021 (08:50 IST)
રાજ્ય સરકારના લવ જેહાદના કાયદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. દરેક નાગરિકને બંધારણમાં પોતાનો ધર્મ પસંદ કરવાનો અધિકાર છે. ધર્મ પસંદગીની સ્વતંત્રતા પર સરકાર કાયદો લાવી તરાપ મારી શકે નહી તેવી રજૂઆત અરજીમાં કરાઇ છે. ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠ સમક્ષ અરજી કરાતા બે દિવસમાં સુનાવણી કરવા નિર્દેશ કર્યો છે.રાજ્ય સરકારે ધર્મ પરિવર્તનના કાયદામાં કરેલા સુધારા તથા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે લવજેહાદનો કાયદો હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ અરજીમાં બંધારણથી પ્રીત કાયદો લાવી અને નાગરિકોના હક્કો પર સરકાર તરાપ મારી શકે નહીં તેવી રજૂઆત કરાઈ છે. આ સાથે જ અરજદારે હાઇકોર્ટમાં અરજીની સુનાવણી ઝડપી થાય તેની પરવાનગી માંગી છે. કોર્ટ દ્વારા અરજદારની રજૂઆત સ્વીકારતા ઝડપી સુનાવણી માટે આપી પરવાનગી આપવામાં આવી છે.ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ બહુચર્ચિત લવ જેહાદ કાયદો 15મી જૂનથી અમલી બન્યો છે. ગત વિધાનસભા સત્રમાં પસાર કરવામાં આવેલા ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમને રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકારે તેનો વિધિવત અમલ શરૂ કર્યો હતો. આ કાયદાની મુખ્ય જોગવાઇ મુજબ હવે કોઇપણ વ્યક્તિ લગ્નની લાલચે ધર્મ પરિવર્તન કરાવશે અને ધર્મપરિવર્તનના હેતુથી લગ્ન કરશે તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે.માત્ર ધર્મપરિવર્તનના હેતુથી કરેલા લગ્નના કિસ્સામાં આવા લગ્ન ફેમિલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. સાબિત કરવાનો ભાર પણ આરોપી અને તેના સહાયકો પર રહેશે. આરોપીને 3થી 5 વર્ષની કેદ અને 2 લાખ કે તેથી વધુના દંડની જોગવાઇ કાયદામાં કરાઇ છે. ભોગ બનેલી યુવતી અથવા તેના માતા-પિતા, લોહીની સગાઇ ધરાવતા પરિવારજનો પણ આવા ધર્મ પરિવર્તન તેમજ લગ્ન સામે એફઆઇઆર દાખલ કરાવી શકશે. આ પ્રકારની પ્રવૃત્તિમાં સંકળાયેલી તેમજ જોગવાઇઓનું પાલન ન કરનારી સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ કરવા ઉપરાંત 3થી 10 વર્ષની સજા તેમજ 5 લાખ સુધીનો દંડ થશે. આ પ્રકારના ગુનામાં ડીવાયએસપીથી ઉતરતી કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહીં. ધર્મ પરિવર્તનની વિધિ કરાવનારે જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી પડશે.ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઈ કરાઇ છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે લવ-જેહાદ ઉપરાંત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) વિધેયકને પણ મંજૂરી અપાઇ છે.


આ પણ વાંચો :