આ વર્ષે કેરીના ઉત્પાદનમાં ૩૦થી ૪૦ ટકા જેટલો ઘટાડો થવાનો છે અને ભાવ પણ આસમાને આંબશે
આ વર્ષે કેરી રસિકો માટે માઠા સમાચાર છે કેમકે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં ૩૦થી ૪૦ ટકા જેટલો ઘટાડો થવાનો છે. સાથોસાથ કેરીનું આગમન પણ મોડું થશે જેથી કેરીના ભાવ પણ ઉંચા રહેશે…ફળોનો રાજા ગણાતી કેરી દર વર્ષે ગ્લોબલ વોર્મિંગનો ભોગ બની રહી છે. જેથી દર વર્ષે કેરીમાં ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે કેરીના ઉત્પાદનની જો વાત કરીએ તો તાઉતે વાવાઝોડા બાદ કેરીની આ પહેલી સીઝન છે. આ વાવાઝોડામાં ઉના, ધારી, અમરેલી અને ગીર બોર્ડર પંથકમાં આંબાના બગીચાઓ ભારે નુકસાની થઇ હતી.આ ઉપરાંત ચોમાસુ થોડું લાંબુ ચાલ્યું અને ત્યારબાદ વધુ પ્રમાણમાં ઠંડી પડી, ઠંડી બાદ એકી સાથે વાતાવરણમાં અચાનક હીટવેવ જોવા મળી. જેથી કેરીના મોર બંધારણમાં વાતાવરણ વિઘ્નરૂપ બની ગયું હોય તેમ ફ્લાવરિંગને અનુકૂળ વાતાવરણ ન મળ્યું. જેથી ઘણા ખરા મોર ખરી ગયા. તેના કારણે ચાલુ વર્ષે કેરીના ઉત્પાદનમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો નોંધાય તેવી પૂરી શકયતા છે.કેરીના ઉત્પાદનમાં સતત વાતાવરણની અસરને લીધે ઘટાડો થઈ રહ્યો છે. જેથી ખેડૂતો વર્ષોથી માંગ કરી રહ્યા છે કે કેરી સહિતના તમામ બાગાયતી પાકોને પાક વીમામાં સમાવેશ કરવામાં આવે. જેથી આવી નુકસાનીના સમયે ખેડૂતોને સહાય મળી શકે. પરંતુ આ અંગે આજ સુધી કોઇ નિર્ણય થઈ શકતો નથી. જેથી હવે ખેડૂતોને આંબાવાડિયા કાઢવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.આમ કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડાને લીધે ખેડૂતોને આર્થિક નુકશાની સહન કરવાનો વારો આવશે અને સાથોસાથ સામાન્ય લોકોને ખીસા ઉપર મોંઘી કેરીના કારણે ભારણ વધશે. જેથી આ વર્ષે કેરી રસીકો માટે કેરીનો સ્વાદ કડવો લાગે તો નવાઇ નથી.