મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 સપ્ટેમ્બર 2022 (09:47 IST)

ચોટીલામાં મેઘરાજાની તોફાની બેટીંગ: 3 ઇંચ વરસાદ ખાબકતાં 82 ગામોમાં છવાયો અંધારપટ

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતના 127 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં મંગળવારે સર્વત્ર અડધાથી ત્રણ ઈંચ વરસાદ પડયા બાદ બુધવારે અડધાથી એક ઈંચ વરસાદ પડયો છે છેલ્લા ૩૬ કલાકમાં સર્વત્ર ૧ થી ૪ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.ચોટીલા તાલુકાનો ત્રિવેણી ઠાંગા ડેમ ૧૦ સેમી ઓવરફ્લો થયો છે, સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ખાસ કરીને લખતર અને ચુડામાં સાડા 3 ઈંચથી વધુ જ્યારે ચોટીલામાં પોણા 3 ઈંચ વરસાદ થયો હતો જ્યારે સુરેન્દ્રનગર અને વઢવાણમાં પણ 1 ઈંચથી વધુ વરસાદ થયો હતો.
 
ચોટીલા પંથકમાં વિજળીના કડાકા સાથે ખાબકેલા વરસાદને કારણે વીજ કંપનીના 10થી વધુ ટીસી બળી જતાં  82 જેટલાં ગામડાંમાં પણ વીજળી ગુલ થઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે હળવદ પંથકના ઇસનપુર ગામના વોકળો છલકાતાં કાર તણાઈ હતી, જોકે કારમાં બેઠેલા ત્રણેયને બચાવી લેવાયા હતા.
 
જોકે, હજુ પણ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળ્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ જિલ્લામા ભારે વરસાદ ખાબક્યો છે. મંગળવારની રાત્રે ચોટીલા, સાયલા અને ચુડા તાલુકામાં ધોધમાર વરસાદ પડયા બાદ બુધવારે પણ સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. મંગળવારની મોડી રાત્રે ચોટીલામા ૭૫મી.મી (૩ઈંચ), ચુડા તાલુકામાં ૮૪મી.મી(સાડાત્રણ ઈંચ),થાનગઢ તાલુકામાં ૨૮મી.મી (સવા ઈંચ), લીંબડી તાલુકામાં ૪૧મી.મી. (પોણાબે ઈંચ), મુળી તાલુકામાં ૪૫મી.મી. (પોણાબે ઈંચ), સાયલા તાલુકામાં ૬૦મી.મી (સવા બે ઈંચ) જેટલો વરસાદ થયા બાદ બુધવારની સવારથી સતત વરસાદ વરસતા બીજા દિવસે પણ ચોટીલામા ૨૬મી.મી (૧ઈંચ), થાન ૨૬મી.મી(૧ઈંચ), મુળી ૨૩મી.મી વઢવાણ ૩૦મીમી.(૧ઈંચથી વધુ) વરસાદ સાંજના ૬ વ્ગ્યા સુધીમાં પડયો હતો મંગળવાર અને બુધવારના સાંજના ૬વાગ્યા સુધીમાં ૩૬ કલાકમાં સૌથી વધુ ચોટીલા તાલુકામાં ૧૦૧મી.મી(૪ઈંચ) ચુડા તાલુકામાં ૯૬મી.મી (પોણા ચાર ઈંચ) લખતર ૩૫મી.મી (દોઢ ઈંચ) થાનગઢ ૫૪મી.મી (૨ઈંચ) લીંબડી ૫૦મી.મી (૨ઈંચ) સાયલા ૭૫મી.મી (૩ઈંચ) વરસાદ ખાબક્યો છે.