શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (11:26 IST)

UPની માનસિક રીતે અસ્વસ્થ મીરાં ચાર બાળકો સાથે ખોટી ટ્રેનમાં ચઢી ગઇ અને....

નસીબ ઘણી વખત વ્યક્તિની ક્રૂર પરીક્ષા લેતું હોય છે પણ આ પરીક્ષામાંથી હેમખેમ પાર ઉતારવા કેટલાંક સજ્જનોની સહાય પણ મળી જતી હોય છે. આજે આવી જ એક પરીક્ષામાંથી પસાર થયેલા પરિવારની વાત કરવાની છે. 
 
માનસિક રીતે અસ્વસ્થ એક બહેન નામ મીરાં (કાલ્પનિક નામ), પોતાના ૪ બાળકો સાથે જેમની ઉંમર અનુક્રમે પાંચ, છ, સાત, આઠ વર્ષ સુધીની છે. ઘરથી કોઇને પણ કહ્યાં વિના મુંબઇ જવા નીકળી ગયાં. મુંબઇ એટલા માટે કે તેમના પતિ રોજગારી માટે મુંબઇ ગયા હતા. પણ મીરાં બાળકો સાથે બેસી ગયા બિહારની ટ્રેનમાં. થયું એવું કે ગુજરાતનું દાહોદ આવ્યું ત્યારે મીરાંને ભાન થયું કે તેઓ ખોટી ટ્રેનમાં ચઢી ગયા હોય દાહોદમાં જ ઉતરી ગયા. માનસિક રીતે અસ્વસ્થ મીરાં ભારે દ્વિધા સાથે બે દિવસ દાહોદમાં જ ફરતા રહ્યાં. તેમને એવું કશું ભાન નહી કે કોઇની મદદ લઉં કે કોઇને પૂછું કે શું કરવું. પાછું મીરાંની માતૃભાષા કશ્મીરી હતી.  
 
એક સજ્જન વ્યક્તિને દાહોદ શહેરમાં આ અજાણી મહિલાને આ રીતે બાળકો સાથે ફરતા જોઇ અભયમ ટીમને જાણ કરી. અભયમ ટીમ તાત્કાલિક આ બહેન અને બાળકોને દાહોદના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઇ આવ્યા. સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ પહેલું કામ આ પાંચે જણાનો કોરોના ટેસ્ટ કરાવવાનું કર્યું. 
કોરોના સંક્રમણની આ સ્થિતિમાં મુસાફરી તો જોખમી હોય અને આ બહેન અને તેમના બાળકો ઘણી જગ્યાએ કોઇ પણ સુરક્ષા વગર ફરી રહ્યાં હોય તેમને કોરોનાનું સક્રમણ લાગ્યું હતું. નાની પાંચ વર્ષની બાળકી સિવાય ચારે જણાના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને દાહોદના કોવીડ કેર સેન્ટર ખાતે રાખવામાં આવ્યા. જો કે માતા સહિત ત્રણે બાળકોને નજીવા લક્ષણો જ જણાતા હોય સઘન સારવાર મળતાં ઝડપથી તેઓ સ્વસ્થ પણ થઇ ગયાં. 
 
આ તરફ સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફે કોરોનાના દર્દીઓ સાથે સીધા સંપર્કમાં આવતા તેમનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. આ ટેસ્ટ નેગેટિવ આવ્યો. છતાં પણ અમુક દિવસ તેમને હોમ કવોરન્ટાઇન રહેવાની ફરજ પડી. દરમિયાન સખી વન સ્ટોપ સેન્ટરને પૂરૂં સેનેટાઇઝ કર્યા બાદ બાકીનો  સ્ટાફ જેઓ આ પરિવારના સીધા સંપર્કમાં નહોતા આવ્યા તેમણે મીરાંના પરિવારની શોધખોળ ચાલુ રાખી. 
 
જેમાં સાત વર્ષની બાળકી જેને થોડી હિન્દી ભાષા આવડતી હતી. તેની પણ મદદ લેવામાં આવી. દાહોદ પોલીસની પણ મદદ લેવાય. આખરે સઘન શોધખોળ બાદ મીરાંનો પરિવાર ઉત્તર પ્રદેશનો હોવાનું જણાઇ આવ્યું. ત્યાંની સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી અને તેમના પતિ મોહનને(કાલ્પનિક નામ) સઘળી હકીકતની જાણ કરવામાં આવી. મોહન પણ તેમના પત્ની-બાળકોની શોધ કરી રહ્યાં હતા. તેઓ તાત્કાલિક દાહોદ આવી ગયાં. 
 
મીરાં અને તેમના ચાર બાળકો કોરોનામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયાં હોય તેમને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. મોહન સાથે આખરે મીરાં અને ચાર બાળકોના મેળાપનું રોમાંચક દશ્યે ત્યાં ઊભેલા દરેક વ્યક્તિની આંખોમાં હર્ષાશ્રુ લાવી દીધા. સખી વન સ્ટોપ સેન્ટરનાં સ્ટાફ, ડોક્ટર અને મેડીકલ ટીમ, પોલીસકર્મીઓની સહિયારી મહેનત એક પરિવારની આકરી પરીક્ષામાં પણ સજ્જનરૂપી મોટી મદદ બની રહી. 
 
(નોધ : પાત્રોના નામ અને સ્થળ કાલ્પનિક છે.)