બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (09:12 IST)

દાહોદમાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાનથી ૨૩૨૨૯ ખેડૂતોને ફાયદો

દાહોદ જિલ્લામાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાનના ત્રણ તબક્કામાં થયેલા જળ સંગ્રહના કામોના ફળ સ્વરૂપ વરસાદી પાણીની સંગ્રહશક્તિમાં ૨૪૨ મસીએમટીનો વધારો થયો છે. બીજા શબ્દોમાં કહી તો પાટા ડુંગરી ડેમમાં સંગ્રહ થતી જળરાશીનું ૧૦ ટકા જેટલું પાણી નાનાનાના ચેકડેમ અને તલાવડીમાં સંગ્રહ થવા પામ્યું છે. સુજલામ્ સુફલામ્ જળ અભિયાનના પરિણામે દાહોદ જિલ્લાના ૨૩૨૨૯ ખેડૂતોને ફાયદો થવા પામ્યો છે. 
 
સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર રમેશ ડામોરે માહિતી આપતા જણાવ્યું કે, સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૮માં ૮૬૯, ૨૦૧૯માં ૫૪૯ અને ૨૦૨૦માં ૩૮૦ મળી ત્રણ વર્ષમાં જળસંગ્રહને લગતા કૂલ ૧૭૯૮ કામો કરવામાં આવ્યા છે. આ ત્રણ વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કૂલ રૂ. ૩૨૫૧ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. 
 
સુફલામ્ સુફલામ્ જળ અભિયાનના ત્રણ વર્ષ દરમિયાન ૨૦૧૮થી અનુક્રમે ૪૧, ૯૫.૩૩ અને ૧૦૬ એમસીએફટી જળ સંગ્રહનો વધારો થયો છે. એટલે કે, કૂલ ૨૪૨.૩૩ એમસીએફટી જળસંગ્રહ શક્તિનો વધારો થયો છે. રસપ્રદ વાત તો એ છે કે, આટલી જળસંગ્રહ શક્તિ વધારવા માટે કરાયેલા ખોદકામમાંથી નીકળેલી માટી જો એક જગાએ નાખવામાં આવે તો ચોટીલા જેટલો મોટો ડુંગર ઉભો થઇ જાય ! 
 
આ અભિયાનથી મોટો ફાયદો કૃષિકારોને થયો છે. જળશાયની આસપાસ આવેલી વાડીના કૂવાઓમાં પાણી રહેવાના દિવસોમાં વધારો થયો છે. બીજા શબ્દોમાં કહી તો જે વિસ્તારમાં ખરીફ અને રવી મૌસમનો પાક ખેડૂતો માંડ લઇ શકતા હતા, ત્યાં હવે ઉનાળું વાવેતર પણ થવા લાગ્યું છે. આ ત્રણ વર્ષમાં કૂલ ૨૩૨૨૯ ખેડૂતોને આ અભિયાનથી ફાયદો થયો છે.