ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (09:25 IST)

હરતી ફરતી બ્લડ બેંકની આ વાન અમિતાભ બચ્ચનની મેકઅપ વાન જેવી સુવિધાઓની છે સજ્જ

સમાજ સેવાને વરેલી રોટરી ક્લબ ઓફ બરોડા કોસ્મોપોલિટન દ્વારા રૂ.૨૯ લાખથી વધુ કિંમતની, વાતાનુકૂળ અને રક્તદાન લેવા અને મળેલા રક્તને ઠંડા વાતાવરણમાં સાચવવા સહિતની અદ્યતન સુવિધાઓથી સુસજ્જ અને ગમે તે સ્થળે તાત્કાલિક રક્તદાન શિબિર યોજવાની સુવિધા આપતી મોબાઇલ બ્લડ કલેક્શન વાનની સયાજી હોસ્પિટલ બ્લડ બેંકને ઉપયોગી સખાવત કરવામાં આવી હતી.
 
પ્રશાંત જાની અને પ્રકાશ મસંદ સહિત રોટરી પદાધિકારીઓએ આ વાન સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક અને રોટરી ક્લબના સક્રિય સદસ્ય ડો.રંજન કૃષ્ણ ઐયરને સયાજી હોસ્પિટલ બ્લડ બેંકમાં ઉપયોગ માટે અર્પણ કરી હતી. આ પ્રસંગે રોટરી પદાધિકારીએ જણાવ્યું હતું કે, અમારા કાર્યકાળનું આ શ્રેષ્ઠ માનવસેવા કાર્ય છે. સમુદાય માટે કશુંક નક્કર કરવાની અમારી મહેચ્છા આ સખાવતથી ફળીભૂત થઇ છે.
 
હરતી ફરતી બ્લડ બેંક જેવી આ વાન અમિતાભ બચ્ચનની મેકઅપ વાન જેવી સુંદર અને સુવિઘાયુક્ત છે તેવા શબ્દોમાં પોતાનો આનંદ વ્યક્ત કરતાં તબીબી અધિક્ષકએ જણાવ્યું કે, તેની મદદથી સયાજી હોસ્પિટલ બ્લડ બેંકની પ્રવૃત્તિઓ વેગવાન બનશે અને અમે રક્તદાન પ્રવૃત્તિને અંતરિયાળ ગામડાઓ સુધી વ્યાપક બનાવી શકીશું.
 
આ વાન જનરેટરથી સુસજ્જ હોવાથી વીજ પ્રવાહ ન હોય ત્યાં પણ એસી અને ફ્રીજર ચાલુ રાખી શકાય એવી જાણકારી આપતાં તેમણે ઉમેર્યું કે, તેના ફ્રીજરમાં દાનમાં મળેલા રક્તના ૧૦૦ પાઉચ ઠંડા વાતાવરણમાં સાચવવાની સગવડ છે. રકતદાતા આરામથી લોહી આપી શકે તે માટે બે રિકલાઇનર કાઉચ, ચાર્જિંગ પ્લગ જેવી આધુનિક સગવડો છે. આ રક્તદાન સેતુ વાહનથી બ્લડ બેંકની કામગીરીમાં સક્રિયતા વધશે અને સંવર્ધન થશે. તેમણે રોટરી ક્લબ સયાજી હોસ્પિટલને અવાર નવાર સાધનસામગ્રીની સહાય દ્વારા મદદરૂપ બને છે તેના ઉલ્લેખ સાથે સંસ્થાનો આભાર માન્યો હતો.