રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 31 ઑગસ્ટ 2023 (23:44 IST)

મોરબી બ્રિજ દુર્ઘટનાઃ આગામી ત્રણ સપ્તાહમાં SITનો આખરી રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે

morbi news
કોર્ટે કહ્યુ કે ફાઇનલ રીપોર્ટ સીલ કવરમાં નહીં રખાય તે તમામ પક્ષકારોને અપાશે
 
 મોરબી બ્રિજ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો પિટીશન દાખલ કરી હતી. આ કેસમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરાઈ હતી.તે ઉપરાંત બે સિક્યુરિટી ગાર્ડ અને ટિકિટ ચેકરને હાઈકોર્ટમાંથી જામીન મળ્યાં છે. ત્યારે આજે સુઓમોટો પિટિશન મુદ્દે હાઇકોર્ટમાં વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી. આજની સુનવણીમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે, મોરબી બ્રિજ હોનારત મુદ્દે SITનો ફાઇનલ રિપોર્ટ ત્રણ સપ્તાહમાં કોર્ટ સમક્ષ મુકાશે. પીડિત પક્ષે જણાવ્યું હતું કે, વચગાળનો SITનો રીપોર્ટ તેમને અપાયો નથી તે સીલ કવરમાં હતો. જ્યારે કોર્ટે કહ્યુ હતું કે ફાઇનલ રીપોર્ટ સીલ કવરમાં નહીં રખાય તે તમામ પક્ષકારોને અપાશે.
 
મૃતકોને કુલ 20 લાખ રૂપિયા વચગાળાનું વળતર અપાયું
આ કેસમાં પીડિતોને વળતર મુદ્દે સરકારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી રીલીફ ફંડમાંથી 4 લાખ રૂપિયા, પ્રધાનમંત્રીના ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને રાજ્ય સરકારે વધુ 4 લાખ રૂપિયાની સહાય એમ મળીને સરકાર તરફથી 10 લાખ રૂપિયાની સહાય મૃતક દિઠ કરાઈ છે. ઉપરાંત મૃતક દિઠ 10 લાખ રૂપિયા ઓરેવા કંપની તરફથી ગુજરાત લીગલ એઈડ સર્વિસમાં જમા કરાવવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં મૃતકોને કુલ 20 લાખ રૂપિયા વચગાળાનું વળતર અપાયું છે. તે ઉપરાંત દુર્ઘટનામાં ઘાયલ થયેલાને 2 લાખ રૂપિયા વળતર અપાયું છે.
 
બાળકોની સારસંભાળ મુદ્દે સરકાર એફિડેવિટ ફાઈલ કરશે
મોરબી નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા સુપરસીડ કરાઈ છે. જેના ચીફ ઓફિસરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના હુકમને નગરસેવકોએ હાઇકોર્ટમાં પડકાર્યો છે. કોર્ટે અનાથ બાળકોની સારસંભાળ વિશે સવાલ કરતાં સરકારે જણાવ્યું હતું કે, અનાથ બાળકોને નામે 50 લાખ રૂપિયા અપાયા છે. તેમના ખાધા ખોરાકી અને અભ્યાસનું પણ સરકાર ધ્યાન રાખે છે. તેમને સરકારની જુદી-જુદી સ્કીમનો લાભ પણ મળશે. ઓરેવા કંપની પણ તેમાં પોતાની રીતે ફાળો આપશે. બાળકોની સારસંભાળ મુદ્દે સરકાર એફિડેવિટ ફાઈલ કરશે.
'