1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 મે 2022 (10:19 IST)

છોટાઉદેપુરમાં લગ્નના જમણવાર બાદ 150થી વધુને ઝાડા-ઊલટી થતાં હોસ્પિટલ ઊભરાઈ

છોટાઉદેપુરના ક્સ્બા વિસ્તારમાં આજે લગ્નપ્રસંગે યોજાયેલા જમણવાર બાદ મહેમાનોને ખોરાકી ઝેરની અસર થતાં દર્દીઓથી છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ઊભરાઈ છે. મોડી રાત્રે 11 વાગ્યે આ લખાય છે ત્યાં સુધી 150થી વધુ કેસ હોસ્પિટલમાં આવ્યા હોવાનું હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા જણાવાયું છે.પ્રાપ્ત માહિતી મુજબ, છોટાઉદેપુરના એક વિસ્તારની દીકરીના લગ્નપ્રસંગે બપોરના સમયે જમણવાર રાખ્યો હતો, એક બાજુ, વડોદરાથી જાન પણ આવી ગઈ હતી. બધા બપોરનું જમણવાર જમ્યા હતા. અને લગભગ સાંજના છ વાગ્યાના અરસામાં અચાનક લોકોને ઝાડા-ઊલટીની અસર શરૂ થતાં વારાફરતી છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા.

આજે રવિવાર હોવાથી મોટા ભાગનો સ્ટાફ રજા પર હતો, પરંતુ જોતજોતાંમાં દર્દીઓથી હોસ્પિટલ ઊભરાઇ ગઈ હતી અને હાજર ડોક્ટર તેમજ અન્ય સ્ટાફ પણ ઓછો પડ્યો હતો. જ્યારે બીજી બાજુ દર્દીઓની સંખ્યામાં સતત વધતી જતી હતી, જેને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરીને જિલ્લાની અન્ય હોસ્પિટલમાથી ડોક્ટર તેમજ અન્ય સ્ટાફ મોકલવા માટે વિનંતી કરાઇ છે.ખોરાકી ઝેરની અસર જણાતા દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઇ હતી અને દર્દીઓને સુવડાવવા માટેના બેડ પણ ખૂટી ગયા હતા, જેને લઈને દર્દીઓને જમીન પર સૂવડાવીને સારવાર કરવાની પડી હતી. આ લગ્નપ્રસંગમાં વડોદરાથી જાનૈયાઓ આવ્યા હતા. તેઓને પણ ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેઓ છોટાઉદેપુરથી નીકળીને વડોદરા જવા નીકળી ગયા હતા.