ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 એપ્રિલ 2022 (21:49 IST)

છોટાઉદેપુરના આ ત્રણ ગામોમાં ગ્રામદેવતાના પ્રકોપની બચવા વરરાજાને બદલે તેની બહેન જાન લઇ જાય છે

sister takes barat
છોટાઉદેપુર જિલ્લામાં છેક મધ્યપ્રદેશની સરહદ પાસે આવેલા ફેરકૂવા પાસે પ્રકૃત્તિની સાંનિધ્યમાં વસવાટ કરતા કેટલાક ગામોના આદિવાસીઓના રિતરિવાજ એવા છે કે જેને તમે જાણશો તો ચોક્કસ આશ્ચર્યમાં ગરકાવ થઇ જશો. ૨૧મી સદી સાથે તાલ મિલાવી રહેલા આ આદિવાસી સમુહ આધુનિક જમાના સાથે અનુરૂપ બદલાવ લાવવા સાથે દેવપ્રકોપની આમાન્યા રાખી પોતાની પ્રાચીન પરંપરા જાળવી રાખી છે. ફેરકૂવા આસપાસના એવા ત્રણ ગામો છે કે જ્યાંથી જતી જાનમાં વરરાજા જતાં નથી કે ત્યાં આવતી જાનમાં વરરાજા આવતા નથી. વરરાજાને બદલે તેની બહેન ફેરા ફરવા માટે આવે છે.
 
મધ્યપ્રદેશને અડીને આવેલા અંબાલા, સૂરખેડા અને સનાડા ગામમાં વસતા આદિવાસી સમાજના આ રિવાજ પાછળની વાત રસપ્રદ છે. અંબાલા ગામની પાસે જમણી 
બાજુએ આવેલા એક નાના પર્વત ઉપર ભરમાદેવ નામક દેવતા બિરાજે છે. તેની તળેટીમાં ખૂનપાવા નામના બીજા એક દેવતાનું સ્થાનક છે. ઉક્ત ત્રણેય ગામના ભરમાદેવ ગ્રામદેવતા છે. 
sister takes barat
આ ગામના આદિવાસી સમાજના આ આરાધ્ય દેવ છે. જ્યાં વારતહેવારે વિશેષ પ્રકારના પૂજાપાઠ થાય છે. ખાસ કરીને દિવાસા, દેવદિવાળી જેવા શુભદિવસોમાં અહીં આદિવાસી સમાજ દ્વારા ભરમાદેવનું પરંપરાગત્ત રીતે અનુષ્ઠાન કરવામાં આવે છે. તે સમયે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે. ભરમાદેવ અને ખૂનપાવા દેવની ઉત્પત્તિ અંગે કોઇ કથા જાણી શકાઇ નહીં. પણ, વાત એવી છે કે ભરમા દેવ કુંવારા છે. 
 
ભરમા દેવ પોતે કુંવારા હોવાના કારણોથી અંબાલા, સૂરખેડા અને સનાડા ગામમાં કોઇ યુવાન જાન લઇને આવે અથવા તો ગામનો કોઇ યુવાન જાન લઇ જાય તો તેના ઉપર ભરમા દેવનો પ્રકોપ ઉતરે છે. એટલે ગામમાં આવતી જાનમાં વરરાજાની બહેન મંગલ ફેરા ફરવા માટે આવે છે અને બહેન જ જાન લઇને જાય છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. 
sister takes barat
સદીઓ જૂની આ પરંપરાને બદલવા માટે થોડા વર્ષો પહેલા ગામના ત્રણ યુવાનોએ પ્રયત્ન કર્યો. પણ, જોગાનુજોગ આ ત્રણેય યુવાનોના કોઇને કોઇ કારણોસર મૃત્યું થયા અને તે પણ લગ્ન કરવાના થોડા અંતરાલ બાદ જ ! એવું અંબાલાના વેસણભાઇ રાઠવાનું કહેવું છે. એટલે ગ્રામદેવતા ભરમા દેવમાં આદિવાસી સમાજની આસ્થા પ્રબળ બની. આ ત્રણેય ગામના લોકો દેવપ્રકોપથી બચવા પરંપરાને ઉવેખતા નથી. 
 
ઉક્ત ત્રણેય ગામોમાં પ્રકૃત્તિના ખોળે વસ્યા છે. ગામના આંતરિક રસ્તા આરસીસીના બનેલા જોવા મળે છે. ઘરોમાં વીજળીના જોડાણો, ઘર આંગણે કૃષિ માટે કૂવા અને ઘર આંગણે પીવાના પાણી માટે નળ છે. ગામમાં બહુધા મકાનો પાકા છે. છોટાઉદેપરથી ફેરકૂવા જતાં રાજમાર્ગે સડસડાટ આ ગામોમાં પહોંચી શકાય છે. 
 
ઉક્ત પરંપરાને આધીન રહી હમણા જ એક લગ્ન પ્રસંગ યોજાયો. અંબાલા ગામના હરસિંગભાઇ રાયસિંગભાઇ રાઠવાના પુત્ર નરેશના લગ્ન ફેરકૂવા ગામના તડેવલા 
ફળિયામાં રહેતા વજલિયાભાઇ હિંમતાભાઇ રાઠવાની પુત્રી લીલા સાથે લગ્ન થયા. મજાની વાત એ છે કે,  અન્ય ગામના આદિવાસી સમાજ દ્વારા પણ ઉક્ત પરંપરાને પૂર્ણ માનસન્માન આપવામાં આવે છે. એટલે, અંબાલાથી જાન લઇ વરરાજા નરેશને બદલે તેની બહેન અસલી તડેવલા ફળિયામાં આવી. આ પરંપરા ખાંડુ પરણવાના રિવાજ સાથે મળતી આવે છે. આદિવાસીઓની આ પરંપરા પાછળ ધાર્મિક આસ્થા જોડાયેલી છે. 
 
આદિવાસી સમાજના લગ્ન પ્રસંગમાં બહુ જાજા ભપકા કે દેખાડો હોતો નથી. વરવધૂ સિવાયના સાજનમાજનના વસ્ત્રો પણ સાવ સાદા હોય છે. સ્ત્રીઓ બાંયે ભોરિયું, ગળામાં હાંસડી, પગમાં કલ્લા (કડલા), ટાગલી, કાંડામાં કરોન્ડી નામના ચાંદીના આભૂષણો પહેરે છે. કન્યાપક્ષ હોય કે વર પક્ષ, સૌ ‘ઝીરો ફેટ’ કદકાઠી ધરાવતા હોય છે. આ પ્રકૃત્તિનું વરદાન છે. હવે ડીજેનો બહુધા ઉપયોગ થાય છે તો પણ શરણાઇ અને ઢોલ તો રાખવાના જ અને મન ભરીને નાચવાનું ! ભોજન પણ સાદુ પણ એક મિષ્ટાન્ન જરૂર હોય. આદિવાસી બોલીમાં લગ્નગીતો આખી રાત ગવાય છે. વિશેષ વાત એ છે કે, કન્યા પક્ષે ગવાતા ગીતોમાં એક ગીત પૂરૂ થાય એટલે વચમાં પોક મૂકીને રડવામાં આવે છે. કન્યાવિદાયનો પ્રસંગ હોય એ રીતે ! તેમ અનસિંગભાઇ રાઠવા કહે છે. 
 
અહીં અસલીબેન પોતાના ભાઇ નરેશની જાન લઇ આવ્યા બાદ તેને વધાવવાની, કન્યાને ચુંદડી ઓઢાડવાની સહિતની વિધિ થાય છે. ગામના પટેલ કે પૂજારી આ વિધિ કરાવે છે. બાદમાં બહેન જ અગ્નિ સાક્ષીએ કન્યા સાથે ફેરા ફરે છે. બન્ને વાંસના કરંડિયાથી બનેલી પાટી લઇ આવે છે. જેમાં ચોખા અને લગ્નને લગતી બીજી સામગ્રી હોય છે. તે દરમિયાન વરરાજા ઘરે જ રહે છે. સામાન્ય રીતે એક વખત લગ્ન નક્કી થયા બાદ વરરાજા ઘરની બહાર નીકળતા નથી. 
 
હવે મહત્વની વાત એ છે કે, એક વખત જાન ફરી ઉક્ત ગામમાં કન્યા સાથે પરત આવે ત્યારે ગામના સિમાડે ફરી વરરાજા કન્યા સાથે વિધિસર લગ્ન કરે છે અને વધૂને ઘરે લઇ આવે છે. તે બાદ લગ્ન પ્રસંગ પૂર્ણ થાય છે.  આમ, આ ગામના આદિવાસી સમાજે ગ્રામદેવતાની આમાન્યા અને પરંપરા આધુનિક સદીમાં બરકરાર રાખી પોતાની આગવી સંસ્કૃતિને જીવંત રાખી છે.