ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું 43.37% ટકા પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો.12સામાન્ય પ્રવાહની પૂરક પરિક્ષાનું શનિવારના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું 43.37% ટકા જાહેર થયું છે. રાજ્યમાં અલગ-અલગ જિલ્લાઓમાં લેવાયેલી આ પરીક્ષામાં 122245 પરીક્ષાર્થીઓ એક્ઝામ આપી હતી. જેમાથી 103649 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે 44948 પરીક્ષાર્થીઓ પ્રમાણ પત્ર મેળવવાને પાત્ર થયા છે. આ વર્ષ પરીક્ષાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉચ્ચત્તર બુનિયાદી પ્રવાહની પરીક્ષાનું પરિણામ 76.29 ટકા જાહેર કરાયું હતું, જે ગત વર્ષના 73.27 ટકા કરતાં 3.02 ટકા વધુ આવ્યું હતું.
ચાલુ વર્ષે 3,71,771 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2,83,624 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. બનાસકાંઠાનું સોની કેન્દ્ર 97.76 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. ગત વર્ષે અમદાવાદના નવરંગપુરા કેન્દ્રનું સૌથી વધુ 95.66 ટકા પરિણામ હતુ.
બોર્ડ દ્વારા પરિણામ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી અને સ્કૂલોએ 24 ઓકટોબરના રોજ જિલ્લાના નિયત કરેલા વિતરણ સ્થળો પરથી સવારના 9 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધીમાં માર્કશીટ મેળવી લેવાની રહેશે. ત્યારબાદ સ્કૂલોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે રીતે વિદ્યાર્થીઓ સુધી માર્કશીટ પહોંચાડવાની રહેશે. બોર્ડ દ્વારા આ વખતે પહેલી વાર સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. જેના પગલે પરીક્ષા લાંબી ચાલી હતી.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં ફરીથી તક આપવામાં આવે છે. દર વર્ષે આ પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવતી હોય છે. પરંતુ કોરના મહામારીને પગલે પૂરક પરીક્ષા મોડી લેવાઈ હતી. અગાઉ જાહેર કરેલી પરિક્ષા રદ્દ કરી નવેસરથી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરી હતી આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પરિક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો.