ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 જુલાઈ 2021 (08:44 IST)

સુરતમાં પ્રાથમિક સુવિધાના અભાવે છેલ્લા એક સપ્તાહમાં 800 કરતાં વધુ લોકો 'આપ'માં જોડાયા

સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી અલગ-અલગ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાને લઈને લોકો પોતાનો રોષ અલગ અલગ રીતે વ્યક્ત કરતા દેખાઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં વોર્ડ નંબર 30, જેમાં કનસાડ, સચિન જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. ભાજપનો ગઢ ગણાતા આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓના રહીશોને પ્રાથમિક સુવિધા ન મળતી હોવાને કારણે તેઓ આમઆદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. વિવિધ સોસાયટીઓના અંદાજે 800 કરતાં વધારે લોકો 'આપ'માં જોડાયા છે.

વોર્ડ નંબર 30ની સુડા સેક્ટર- 1, રામેશ્વર, સ્વસ્તિક રેસિડેન્સી, શિલાલેખ જે વિવિધ સોસાયટીઓના પ્રમુખો અને રહીશો આમઆદમી પાર્ટીનો સંપર્ક કરીને એનો ખેસ ધારણ કરી રહ્યા છે. સુડા સેક્ટર -1માં 150 યુવાનો અને મહિલાઓ આપમાં જોડાયાં છે. છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં ભાજપના વિરોધમાં બેનર પણ લાગ્યાં હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા હતા.ભાજપનો ગઢ ગણાતા આ વિસ્તારની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધા યોગ્ય રીતે આપવામાં આવતી નથી. અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેઓ પ્રજાલક્ષી કામ કરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે, જેને લઇને રહીશોમાં ભારતીય જનતા પાર્ટીની કામગીરીથી રોષ ભભૂકી રહ્યો છે અને તેની સામે વિકાસ તરીકે આમઆદમી પાર્ટીમાં જવાનું તેઓ પસંદ કરી રહ્યા છે.સુરતના સચિન વિસ્તારમાં આવેલી શિલાલેખ સોસાયટીના 200થી વધુ રહીશો દ્વારા આમઆદમી પાર્ટીના આગેવાનોની હાજરીમાં 'આપ'નો ખેસ ધારણ કરી લીધો હતો. વોર્ડ નંબર 30માં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે હવે લોકો ત્રસ્ત થઈ ગયા છે. શિલાલેખ સોસાયટીમાં અંદાજે 2500 કરતાં વધારે લોકો રહે છે. કોર્પોરેશનમાં સમાવિષ્ટ થઇ ગયા બાદ પણ તેમને પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી અને વેરા ચૂકવવા માટે સતત કોર્પોરેશન દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. ભાજપના સત્તાધીશો યોગ્ય કામગીરી ન કરતા હોવાની ફરિયાદ સાથે તેઓ 'આપ'માં જોડાયા છે.