ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 જૂન 2021 (13:08 IST)

સુરતમાં ડેલ્ટા+નો કેસ નોંધાયા બાદ મહારાષ્ટ્રિયન વિસ્તારમાં ટેસ્ટિંગ વધારાશે

ગુજરાતમાં ડેલ્ટા+ વેરિએન્ટના બે કેસ પૈકી એક સુરતમાં હોવાનો ખુલાસો ગુરૂવારે થયો હતો. એપ્રિલમાં નોંધાયેલા કેસમાં ડેલ્ટા પ્લસ વાઈરસ હોવાનું સ્પષ્ટ થયું હતુ. બીજી તરફ, મહારાષ્ટ્રમાં જે કેસ ડેલ્ટા પ્લસના મળ્યાં છે તેમાંથી 2 લોકો સુરત આવ્યા હતા અને અહીંથી ત્યાં ગયા બાદ કોરોના થયો હતો. જેને પગલે પાલિકાએ હવે સુરતમાં મહારાષ્ટ્રિયન લોકો રહે છે તેવા ડિંડોલી સહિતના વિસ્તારો અને મહારાષ્ટ્રથી જે બજારોમાં અવરજવર વધુ છે ત્યાં ટેસ્ટિંગની કામગીરી વધારી છે.

મહારાષ્ટ્રિયન વિસ્તારોમાંથી આવતા પોઝિટિવ કેસના સેમ્પલ પૂણે લેબમાં મોકલાશે. સ્મીમેર મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીમાં ડેલ્ટા પલ્સ વેરિએન્ટ મળી આવતા મનપાનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. 22 વર્ષીય વિદ્યાર્થીને એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો. જે તે સમયે યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરવામાં આવતા યુવક સુરત બહાર ગયો જ નહીં હોવાનું નોંધવામાં આવ્યું હતું. કોરોના થતા જ યુવક હોમક્વોરન્ટીન થઈ ગયો હતો. તા. 10 એપ્રિલે યુવકના સેમ્પલ જીનોમ સિક્વનસિંગ માટે પૂણેની લેબમાં મોકલવામાં આવ્યું હતું.જેમાં ડેલ્ટા પલ્સ વેરિએન્ટ હોવાની પુષ્ટિ થઈ હતી. સ્મીમેર કોલેજના મેડિકલ વિદ્યાર્થીમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટ મળી આવતા તંત્રને ચિંતા છે કે, આવા અનેક કેસ શહેરમાં હોય શકે છે.જોકે હજી સુધી તંત્રના ધ્યાને આવો અન્ય કોઈ કેસ આવ્યો નથી. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પૂરી થઈ નથી ત્યાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના બે કેસ મળી આવ્યા છે. એક વડોદરા અને એક સુરતમાંથી આ કેસ મળ્યા છે. જો કે સારી બાબત એ છે કે બંને કિસ્સામાં ઘરમાં રહીને જ દર્દી સાજા થયા હતા. જોકે તેનાથી અન્યોને કોઈ ચેપ લાગ્યો નથી. ઉલ્લેખનીય બાબત એ છે કે આ બંને દર્દીએ રસીનો એક પણ ડોઝ લીધો નહોતો. આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં દૈનિક જેટલાં ટેસ્ટ પોઝિટીવ આવે છે તેના 40 ટકા જેટલાં સેમ્પલ ગુજરાત સરકારની ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટમાં મોકલાય છે. અત્યાર સુધીમાં લગભગ 1000 સેમ્પલ પરિક્ષણ માટે મોકલી અપાયાં છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને સુરતમાંથી કેટલાંક સેમ્પલ પૂણે એનઆઇવીમાં મોકલી અપાય છે. આ બે સિવાય હજુ એક પણ સેમ્પલ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પોઝિટિવ જણાયું નથી.ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી 22 માર્ચ 2020ના રોજ થઈ હતી. પહેલો કેસ સુરતમાં નોંધાયો હતો. ત્યારબાદ બીજી લહેરની શરૂઆત પણ સુરતથી થઈ હતી. જેમાં એક દિવસમાં 2800થી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે હવે નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો કેસ પણ સુરતમાં નોંધાયો છે.