બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 13 જાન્યુઆરી 2020 (17:31 IST)

તો શું ગુજરાત સરકારે લોકોને MOU બાબતે પ્રજાને મુર્ખ બનાવી?

ગુજરાત સરકાર વાઇબ્રન્ટ ગુજરાત રોકાણકાર પરિષદના તાયફામાં કરોડો રૂપિયાના નવા પ્રોજેક્ટ્સના એમઓયુ કરી પ્રજાને રીતસર ભ્રમિત કરે છે. નાગરિક ઉડ્ડયન વિભાગનો દાખલો જોવા જેવો છે. આ ક્ષેત્રે ૨૦૦૭થી માંડીને ૨૦૧૯ સુધીની ૭ પરિષદોમાં કુલ ૮૪ પ્રોજેક્ટ્સ માટે એમઓયુ થયા, જે પૈકી ૫૬ ટકા યાને ૪૭ એમઓયુ રદ થઈ ગયા છે, છેલ્લી ૨ પરિષદોમાં થયેલા એમઓયુના રોકાણના આંકડા રાજ્ય સરકારે જાહેર કર્યા નથી, બાકીની ૫ પરિષદોમાં રૂ. ૪૨,૭૧૪ કરોડનાં રોકાણ માટે એમઓયુ થયેલાં હોવાનું રાજ્ય સરકારે બતાવ્યું છે. કુલ ૮૪ એમઓયુ પૈકી માત્ર ૧ પ્રોજેક્ટ અમલમાં મુકાયો હોવાનું જાહેર થયું છે, પણ એ પ્રોજેક્ટ કયો તે વિશે વિગતો અપાઈ નથી. વર્ષ ૨૦૦૯, ૨૦૧૫ અને ૨૦૧૭માં થયેલા બધાં જ એમઓયુ ફોક થયા છે. રસપ્રદ એ છે કે, જે ૩૬ પ્રોજેક્ટ્સ પ્રારંભિક કે પ્રાથમિક તબક્કામાં હોવાનું જાહેર થયું છે તે પૈકી ૫૦ ટકા એમઓયુ તો ૨૦૧૯ના છે, એટલે સ્વાભાવિક રીતે એ પણ એકાદ-બે વર્ષ બાદ રદ બતાવવામાં આવશે. વાસ્તવિકતા એ છે કે, સરકારનાં દબાણથી અને સરકારને ખુશ કરવા અધિકારીઓ મોટી રકમના નવા પ્રોજેક્ટ્સ માટે એમઓયુ બતાવે છે, જેનો પાયો જ જૂઠાણાં ઉપર રચાયેલો હોય છે.