બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 જૂન 2017 (17:00 IST)

વડોદરામાં M.S. Universityમાં NSUI અને ABVPના સ્ટુડન્ટ્સ વચ્ચે મારામારી

વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીમાં પ્રથમ દિવસે જ NSUI અને ABVPના સ્ટુડન્ટ્સ વચ્ચે વોટ બેંકની રાજનીતીમાં છૂટ્ટા હાથની મારામારી થઇ હતી. જેમાં બે વિદ્યાર્થીઓને ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં આજથી બી.કોમ.માં પ્રવેશ આપવાની શરૂઆત થઇ છે.  જેથી પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવા માટે આવતા સ્ટુડન્ટ્સને મદદ કરવા માટે NSUIના અગ્રણીઓએ કોમર્સ ફેકલ્ટીમાં અડ્ડો જમાવી દીધો હતો.

જેની જાણ ABVPના  સ્ટુડન્ટ્સને થતાં તેઓ પ્રવેશ પક્રિયા સામે વાંધો ઉઠાવીને કોમર્સ ફેકલ્ટીને તાળાબંધી કરવા માટે પહોંચી ગયા હતા. આ સમયે NSUIના  સ્ટુડન્ટ્સ ABVPના  સ્ટુડન્ટ્સને તાળાબંધી કરતાં રોકતા મામલો બીચક્યો હતો. અને બંને જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી શરૂ થઇ ગઇ હતી. મારામારી થતાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવા માટે આવેલા સ્ટુડન્ટ્સમાં દોડધામ મચી ગઇ હતી. બંને  સ્ટુડન્ટ્સ જૂથો વચ્ચે થયેલી મારામારીમાં ABVPના નિકુલ રાણા સહિત બે  સ્ટુડન્ટ્સને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બંને  સ્ટુડન્ટ્સને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોમર્સ ફેકલ્ટીમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હોવાની જાણ સયાજીગંજ પોલીસને થતાં તુરંત જ પોલીસ કાફલો દોડી ગયો હતો.  કેમ્પસમાં થયેલી મારામારીના પગલે ABVP અને NSUIના અગ્રણીઓ પણ કોમર્સ ફેકલ્ટી ખાતે દોડી ગયા હતા. આ સાથે  સ્ટુડન્ટ અગ્રણીઓ હોસ્પિટલ ખાતે પણ દોડી ગયા હતા.