1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (13:53 IST)

નવસારીના બસ ડેપોમાં બસ પ્લેટફોર્મ પર ધસી જતા 3ના મોત

નવસારી એસ.ટી. ડેપોમાં નવસારી- અમલસાડ એસટી બસનાં નશો કરેલા મનાતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ પ્લેટફોર્મની અંદર ધસી મુસાફરો પર ફરી વળતા બે મહિલા અને એક યુવાનનો જીવ લીધો હતો. નવસારી એસ.ટી. ડેપોમાં સાંજના સમયે નવસારીથી અમલસાડ નવસારી ઇન્ટરસીટી બસનાં ચાલકે કહેવાતો નશો કરેલી હાલતમાં બસ પર કાબૂ જાળવી ના શકતા બસ પ્લેટફોર્મ નંબર 6 પર દોડી ગઈ હતી.બસની રાહ જોઈને ત્યાં ઉભા રહેલા મૂસાફરો પર ધસી ગઈ હતી. બસને આવતી જોઈને ત્યાં ઉભેલા મૂસાફરો પોતાનો બચાવ કરવા માટે ભાગ્યા હતા.પરંતુ બે મહિલાઓ વર્ષાબેન (ઉ.વ. 35 રહે. ખડસૂપા) તેમજ ભદ્રાબેન દિપકભાઈ પટેલ (ઉ.વ. 48) રહે. ખેરગામ) અને સુરતના કનૈયાલાલ (ઉ.વ. 41 પ્લેટફોર્મ પર બેઠા હતા ત્યાં પ્લેટફોર્મ પર બસ ચઢી ગઈ હતી જેથી તેઓ કચડાયા હતા. 
બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજયા હતા જ્યારે ગંભીર ઈજા પામેલા કનૈયાલાલને સ્થળ પર હાજર મુસાફરો પારસી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. પણ ત્યા હાજર તબીબે એમને સારવાર દરમિયાન મૃત જાહેર કર્યા હતા. આ ઘટના વેળા બસ ચાલક અકસ્માત કરી સ્થળ ઉપર બસ મુકી રફુચક્કર થયો ગયો હતો. જાણવા મળ્યા મુજબ આ પ્રવીણ મનુભાઈ દેવડિયા(ઉ.વ.27 રહે.મોટા દેવળિયા,જિલ્લો અમરેલી) હજી 20 દિવસ પહેલા જ ભરતી થયો હતો. આ ઘટનાની જાણ થતાં એલ.સી.બી. પી.આઇ. રબારી,ડી.વાય. એસ.પી.અને અન્ય પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.
ઘટનાની જાણ થતા ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ આવી પહોંચ્યા હતા. તેમણે તંત્રને દોડતું કર્યું હતું. ડેપો મેનેજર કેબીન છોડીને દોડતા હતા તેને પિયુષભાઇ દેસાઇ ઘટના સ્થળ પર બોલાવી પૂછપરછ કરી હતી . તેમણે એવું જણાવ્યું હતું કે કેબીનેટ મંત્રી ફળદુ સાથે વાત કરી છે. આ સામન્ય અકસ્માત નથી આ એક બસ ચાલકની બેદરકારી સામે આવી છે. આના માટે બસ ચાલક ઉપર ફોજદારી ગુન્હો દાખલ થવો જોઇએ. આ સંદર્ભમાં વલસાડ એસટી નિગમના નિયામક અને તેની ટીમ તપાસ માટે વલસાડથી આવી રહી છે વધુમાં તેમણે જણાવ્યું કે આ નિયામકની ટીમ મારી જોડે વાત કર્યા બાદ જશે એટલે યોગ્ય નિર્ણય થઇ શકે. તમામ મૃતકોના મૃતદેહ 108 માં નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસમોર્ટમ લઈ જવાયા હતા. આ ઘટનાને પગલે ભાજપ અને કોંગ્રેસનાં તમામ નેતાઓ સ્થળ પર આવી ગયા હતા અને મરનારનાં સગા વહાલાને આશ્વાસન આપ્યું હતું.