રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 નવેમ્બર 2018 (12:53 IST)

નોટબંધીનું ભૂત હજી ધૂણે છેઃ નવસારીમાંથી રદ થયેલી 69 લાખની ચલણી નોટ સાથે સુરતનાં બે પકડાયા

નવસારીની અગ્રવાલ કોલેજ જતાં રોડ પરથી ટાઉન પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે બાતમી આધારે સુરતનાં બે શખ્સોને રૂા.૬૯.૭ લાખની રદ્દ કરાયેલી ચલણીનોટો સાથે ઝડપી પાડતા ચકચાર મચી છે. પોલીસે આ જુનીનોટ ક્યાંથી આવી ? કોને આપવા આરોપીઓ જઈ રહ્યા હતા ? તેની તપાસ માટે તેમના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ નવસારી ટાઉન પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે ટીમને બાતમી મળી હતી કે નવસારી-ગણદવી રોડ પર આવેલી એસ.એસ.અગ્રવાલ કોલેજ તરફ જતાં રસ્તા પરથી બે શખ્સો જુની ચલણી નોટોનાં બંડલો લઈને જઈ રહ્યા છે.

જે આધારે વોચમાં ઉભેલી સર્વેલન્સની ટીમને બેે શખ્સો શંકાસ્પદ હાલતમાં પસાર થતાં દેખાયા હતા. તેમની પાસેથી નંબર વિનાની એક્ટીવા હતી. આથી પોલીસ ટીમે તેમને અટકાવી તલાશી લેતા એક કાળા કલરની બેગ મળી હતી. જેમાં બે વર્ષ અગાઉ કેન્દ્ર સરકારે ચલણમાંથી રદ્દ કરેલી રૂા.૧ હજાર અને રૂા.૫૦૦ની જુની ચલણી નોટોનાં બંડલ મળ્યા હતા.

પોલીસે બંને શખ્સોને પોલીસ મથકે લાવી પુછપરછ કરતાં તેમણે પોતાના નામ મોહમંદ ઝૂબેર મોહમંદ હનીફ ઝવેરી (ઉ.વ.૪૭, રહે. રાણી તળાવ બીબીની વાડી, સુરત) અને રમેશ વિઠ્ઠલભાઈ રાવળ (ઉ.વ.૪૭, રહે. નવદુર્ગા સોસાયટી, મકાન નં.૮ નાના વરાછા રોડ, સુરત) હોવાનું જણાવ્યું હતું. તેમની પાસેથી મળેલી કાળી બેગમાંથી રૂા.૧૦૦૦ની ૧૪૫૧ નંગ નોટ એટલે રૂા.૧૪.૫૧ લાખ, તેમજ રૂા.૫૦૦ની ૧૦,૯૧૩ નંગ નોટ એટલે કે રૂા.૫૪.૫૬ લાખ મળીને કુલ રૂા.૬૯.૭ લાખની કિંમતની કુલ રૂા.૧૨,૩૯૪ નંગ જુની રદ્દ થયેલી ચલણી નોટનાં બંડલ મળી આવ્યા હતા.

જે અંગે બંને જણા કોઈ ખુલાસો નહીં કરતા પોલીસે તેમની ધરપકડ કરી આ નોટો ક્યાંથી કેમ અને કોની પાસેથી લાવ્યા હતા ? અને ક્યાં લઈ જવાનાં હતા ? તેના માટે તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તેમજ આ બાબતે સ્થાનિક ઈન્કમ ટેક્ષ વિભાગને જાણકારી આપવામાં આવી છે.