નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા
Nepal missing Gujaratis
Nepal missing Gujaratis: નેપાળમાં સર્જાયેલી કુદરતી હોનારત વચ્ચે ગુજરાતના સંપર્ક વિહોણા થયેલા લોકોની સંખ્યા વધીને ૨૫ પર પહોંચી છે. રાજ્ય સરકારે નેપાળમાં લાપતા થયેલા નાગરિકોની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓના લોકોનો સમાવેશ થાય છે. વધુ બે એનઆરઆઈ (NRI) પણ સંપર્ક વિહોણા બન્યા હોવાના અહેવાલ છે.
પરિવારોમાં ચિંતા અને સરકાર દ્વારા આંકડાની પુષ્ટિ
સરકાર દ્વારા જાહેર કરાયેલી અધિકૃત વિગતો મુજબ અત્યાર સુધીમાં કુલ ૨૫ ગુજરાતીઓ ગુમ હોવાની માહિતી મળી છે. આ પરિસ્થિતિને કારણે તેમના પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ છે. સગાં-સંબંધીઓ સતત રાજ્ય સરકાર અને વિદેશ મંત્રાલયના તંત્ર પાસેથી પોતાના સ્વજનોની લેટેસ્ટ માહિતી મેળવવા પ્રયાસો કરી રહ્યા છે.
વિદેશી નાગરિકત્વ ધરાવતા ગુજરાતીઓ પણ ગુમ
લાપતા થયેલા લોકોમાં માત્ર સ્થાનિક ગુજરાતીઓ જ નથી, પરંતુ વિદેશમાં સ્થાયી થયેલા એનઆરઆઈ (NRI) ગુજરાતીઓ પણ સામેલ છે. મળતી વિગતો મુજબ, ગુમ થયેલા 25 લોકોમાંથી કેટલાક નાગરિકો ન્યૂઝીલેન્ડ, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી નેપાળના પ્રવાસે આવ્યા હતા અને પૂર બાદ તેમનો સંપર્ક તૂટી ગયો છે.
રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા સતત દેખરેખ
રાજ્ય સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને વિવિધ માધ્યમો દ્વારા વિગતો એકત્ર કરીને યાદી અપડેટ કરી રહી છે. હાલની ૨૫ લોકોની યાદી બાદ જેમ-જેમ સંપર્ક થશે તેમ આ આંકડામાં ફેરફાર થવાની શક્યતા છે. ગુમ થયેલા લોકો અંગે કોઈ પણ નવી માહિતી મળશે તો તુરંત તેમના પરિવારજનોને જાણ કરવામાં આવશે.
હેલ્પલાઇન નંબર
079-23251900
9978405304
1070
જિલ્લાવાર લાપતા ગુજરાતીઓની વિગત
સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત મુજબ અમદાવાદના 5, આણંદના 4, સુરતના 4, ખેડાના 4, ગાંધીનગરના 4, અમરેલીના 2, રાજકોટના 1 અને વલસાડના 1 નાગરિકનો સમાવેશ થાય છે. આ લોકોમાંથી ઘણા પાસે અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની નાગરિકતા પણ છે.
નેપાળમાં પૂરનો કેર અને ભારે હોનારત
નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ આ કુદરતી આપદામાં 500 થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 1000 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. માર્ગો બંધ થવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
150 થી વધુ ગુજરાતીઓ અસરગ્રસ્ત હોવાના અહેવાલ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું છે કે, વાયરલ થયેલા ભયાવહ વીડિયોમાં માણસો, મકાનો અને વાહનો તણખલાની જેમ વહી જતા દ્રશ્યમાન થાય છે. આ આફતમાં જાનમાલનું સાચું નુકસાન કેટલું થયું છે તેનો ચોક્કસ આંકડો સામે આવતા હજુ લાંબો સમય લાગી શકે છે. નેપાળના રસૂવા સહિતના વિસ્તારોમાં આવેલી આ આપદામાં અત્યાર સુધી 600 થી વધુ લોકોના મોત થયા છે અને 290 ભારતીયો સહિત 1400 થી વધુ લોકો ગુમ છે. દેશભરમાંથી અને ખાસ કરીને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં ગયા હતા, જેમાંથી પ્રાથમિક માહિતી અનુસાર 150 થી વધુ ગુજરાતીઓ પણ આ દુર્ઘટનામાં અસરગ્રસ્ત થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.
ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે આશરે 315 ભારતીય નાગરિકો હજુ પણ સંપર્ક વિહોણા છે. ભારત સરકાર નેપાળી તંત્ર સાથે સતત સંપર્કમાં રહીને ભારતીયોની શોધખોળ અને તેમને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી પર કામ કરી રહી છે.
