મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 નવેમ્બર 2019 (14:31 IST)

નવા બ્રિજના નામકરણ મુદ્દે કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક: ભાજપ ભરાઈ પડે તેવી સ્થિતિ

ઘણા વર્ષો પછી ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાજપને રાજકીય ગતિવિધિમાં માત આપવા માટેનો માસ્ટર સ્ટ્રોક માર્યો છે જોકે આ પ્રકારની વ્યુહ રચના કોઈ મોટા ગજાના નેતાએ કરી નથી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના નાના નેતાએ કરી છે. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં બે નવા ઓવરબ્રિજ બનાવાયા છે અને તેનું લોકાર્પણ પણ કરી દેવાયું છે પરંતુ આ બંને બ્રિજના નામ હજુ સુધી આપ્યા નથી આથી કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ એક દરખાસ્ત કરીને કોર્પોરેશનને આપી છે.

 જેમાં તેઓએ જણાવ્યું છે કે વાસણા અને પાલડીને જોડતા અંજલી ચાર રસ્તા ઉપર નવા બંધાયેલા ફ્લાયઓવરને છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર બ્રિજ એવું નામ આપવું જોઈએ કારણકે લોકોના દિલના સાચા હ્રદય સમ્રાટ હતા તેમજ મોગલ સામ્રાજ્ય સામે સ્વાભિમાનની લડત લડીને મરાઠા સામ્રાજ્યને અડીખમ રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. હિંદુત્વના પ્રખર સાચા હિમાયતી એવા છત્રપતિ શિવાજી મહારાજની યાદ સદા રહે તે માટે પાલડી અંજલી ચાર રસ્તા પાસેના નવનિર્મિત બનેલા બ્રિજનું નામ છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ આપવું જોઈએ.

જ્યારે આશ્રમરોડ ઈન્કમટેક્સ ચાર રસ્તા નજીક બંધાયેલા ફ્લાય ઓવર બ્રિજનું નામાભિધાન શહીદ વીર ચંદ્રશેખર આઝાદ ફ્લાય ઓવર બ્રિજ આપવું જોઈએ. કારણકે ચંદ્રશેખર આઝાદીની મહત્વની ભૂમિકા નિભાવી હતી તેઓ આજીવન લડત આપીને કોમી એકતાના પ્રખર હિમાયતી રહ્યા હતા. તેઓએ અંગ્રેજોની હકૂમત સામે બળવો કરીને શહીદી વહોરી હતી. તેઓ ભાઈચારા ઉત્તમ પ્રતિક સમા શહીદ વીર ગણવામાં આવે છે.

આમ હવે જો ભાજપ કોંગ્રેસની આ દરખાસ્તને સ્વીકારી લેશે તો બંને નામ આપવા માટેની ક્રેડિટ કોંગ્રેસને મળશે તેમજ કોંગ્રેસ શહીદો માટે કેટલું મહત્વ ધરાવે છે તેનો લાભ પણ કોંગ્રેસને મળશે અને જો ભાજપ કોંગ્રેસની માગણી નહીં સ્વીકારે તો લોકોમાં ભાજપની છાપ ખરડાઇ જશે કારણકે કોંગ્રેસે જે નામ સૂચવ્યા છે તેને દેશભરના લોકો શહીદ અને દેશપ્રેમી ગણે છે જેથી ભાજપને કોંગ્રેસ ની દરખાસ્ત સરકારમાં કે તેને ફગાવી દેવામાં નુકસાન જ છે.