ગુજરાતમાં દ્વારકા બાદ મહેસાણામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો

mehsana dam
Last Modified મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (13:01 IST)

ઉત્તર ગુજરાતમાં 5 ઓગસ્ટ સુધીમાં સરેરાશ 281 મીમી વરસાદ થયો છે. એટલે કે હજુ 26.80 %વરસાદની ઘટ છે. રાજ્યમાં સૌથી ઓછા વરસાદ ધરાવતાં જિલ્લામાં 28.76 ટકા સાથે મહેસાણા બીજા અને 32.75 ટકા સાથે પાટણ ચોથા નંબરે છે. તો 35.83 ટકા સાથે બનાસકાંઠા છઠ્ઠા નંબરે છે. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં 27.05 ટકા છે. તેની સામે રાજ્યમાં સૌથી સારા વરસાદમાં અરવલ્લી જિલ્લો 46.19 ટકા સાથે 19મા ક્રમે અને સાબરકાંઠા જિલ્લો 45.88 ટકા સાથે 20મા ક્રમે છે.

કચ્છમાં 35.98 ટકા વરસાદ વરસ્યો છે, જે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા કરતાં પણ વધુ છે. મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં હજુ જળસંગ્રહ થઇ શકે તેવો પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી. આ ત્રણેય જિલ્લામાં અત્યાર સુધીમાં થયેલા વરસાદના કારણે ખરીફ પાકને 20 થી 25 દિવસનું જીવનદાન મળ્યું છે.

આ વરસાદથી સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મોટો ફાયદો થયો છે. સાબરકાંઠા જિલ્લામાં તો અંદાજ કરતાં 19927 હેક્ટર વધુ વાવેતર થયું છે. પરંતુ કમનસીબે પાટણમાં હજુ 2.46 લાખ હેક્ટરમાં અને મહેસાણા જિલ્લામાં 1.46 લાખ હેક્ટર જમીન વાવણી વિહોણી રહી છે. આ સંજોગોમાં આ વર્ષે દિવેલાનું વાવેતર વધશે તેવું કૃષિ નિષ્ણાતોનું માનવું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 6થી 7 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત ક્યાંક ક્યાંક હળવા વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીના લોપ્રેશર સિસ્ટમને તા.8 ઓગસ્ટથી ઉ.ગુ.માં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ શકે છે.
જે 9 ઓગસ્ટે પણ યથાવત રહેશે.ઉ.ગુજરાતમાં સોમવાર સવારથી જ આકાશમાં વાદળોની પાંખી હાજરી જોવા મળી હતી. સાંજે 6 વાગ્યા સુધીમાં ક્યાંય નોંધણી લાયક વરસાદ વરસ્યો ન હતો. જેને લઇ મહત્તમ 32 થી 33 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું.વિસનગર : શહેરના દેણપ રોડ પરની આંગણવિલા સોસાયટીના રહીશોએ મેઘરાજાને રિઝવવા શોભાયાત્રા કાઢી હતી. રહીશોએ અલગ અલગ ખેડૂતના વેશ પરિધાન કરી ડીજેના તાલ સાથે અબીલ ગુલાલ અને ફટકાડા ફોડી સોસાયટીથી દેણપ રોડ પર વીર મહારાજના મંદિરે પહોંચી શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરી હતી.


આ પણ વાંચો :