સુરેન્દ્રનગરના પૂર્વ અધિક કલેક્ટર પાસેથી 6 કરોડની બેનામી સંપત્તિ મળી

Last Updated: મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (13:09 IST)


સુરેન્દ્રનગર જિલ્લાના અત્યાર સુધીના સૌથી મોટા બામણબોર જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર મનાતા તત્કાલીન અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યાની ધરપકડ બાદ એસીબીએ કરેલી તપાસમાં તેમની પાસે આવક કરતાં 88.24 ટકા વધુ એટલે કે રૂ. 6,74,08,213ની બેનામી સંપત્તિ હોવાનો ઘડાકો કર્યો છે. બેનામી સંપત્તિ મળી આ‌વતા એસીબીએ તેમની સામે ગુનો દાખલ કર્યો છે. સુરેન્દ્રગર જિલ્લામાં રહેલા અને હાલ રાજકોટના બામણબોર પંથકમાં ઍરપોર્ટ બનાવવાની જાહેરાત થતાંની સાથે અહીંની વીડની જમીન રાતોરાત કરોડોની થઈ ગઈ હતી અને આથી જ સરકારી કાગળ અને કોર્ટના વિવાદમાં પડેલી આ જમીન રાજકોટના બિલ્ડરોને વેચી દેવાનું મોટું કૌભાંડ તત્કાલીન અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યા સહિતની ટોળકીનો ભાંડો ફૂટી ગયો હતો. હાલ અધિક કલેક્ટર પંડ્યા એસીબીના કેસમાં જેલમાં છે.

એસીબીએ 6 મહિનાની તપાસના અંતે અધિકારી પંડ્યાએ આવક કરતાં 88.24 ટકા વધુ કુલ રૂ. 6,74,08,231ની સંપત્તિ બેનામી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે જે બેનામી મિલકતો ખરીદી હતી, તેમાં પુત્રી અને માનેલી ભાણીના નામે રૂ. 4,30,80,995ની મિલકત અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં ખરીદી હતી. બામણબોર, જીવાપરમાં મામલતદાર અને કૃષિપંચે 30 નવેમ્બર 1988ના હુકમથી જમીન ફાજલ જાહેર કરી હતી,જેનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો હતો.
જ્યાંથી સરકાર તરફે નિર્ણય આવ્યો હતો તેમ છતા તેનું ખોટું અર્થઘટન કરી ટોચમર્યાદા કેસનં-01-2/2015 ફરીથી ચલાવીને આ જમીન ગેરકાયદે રીતે અલગ અલગ વ્યકિતના નામે હોવાનો હુકમ કરી કૌભાંડ આચર્યું હતું. પોતાના રાજય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી શ્રી સરકાર જમીનો લાભ મેળવનાર વ્યકિતના નામે કરી તે વ્યકિતઓ સાથે મેળાપીપણુ કરી કૌભાંડ આચર્યું હતું, જેમાં કોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરી લાભ મેળવનારાઓના ખાતે જમીન કરી દેવાઈ હતી. કલેકટર કે. રાજેશે આ હુકમની ઝીણવટભરી તપાસ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.


આ પણ વાંચો :