બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 મે 2017 (15:11 IST)

ભાજપની ચૂંટણી પહેલાની લોલીપોપ? સવર્ણોને ઓબીસીમાં સમાવવાની પ્રારંભિક તૈયારીઓ શરૂ

ગુજરાતમાં પાટીદાર સમાજ છેલ્લા કેટલાક સમયથી ઓબીસીમાં સમાવવાની માગણી સાથે આંદોલન કરી રહ્યું છે. તેમ જ અન્ય સમાજો પણ ઓબીસીમાં સમાવવાની માગણી કરી રહ્યાં છે. ત્યારે સવર્ણોને ઓબીસીમાં સમાવવા માટે રાજ્યમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બિનઅનામત વર્ગની જ્ઞાતિઓ દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી આધારે ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોની યાદીમાં સમાવવા માટે જસ્ટિસ સુજ્ઞાબહેન ભટ્ટ પંચે ડોર ટુ ડોર સર્વેક્ષણ કરવા એજન્સીઓની શોધ શરૂ કરી દીધી છે.

આ જ્ઞાતિઓમાં પાટીદાર સમાજના વિવિધ જૂથો દ્વારા કરાયેલી અરજીઓનો પણ સમાવેશ કરાયો હોવાની વિગતો મળી છે. ગાંધીનગર ખાતે પછાત વર્ગોના પંચ સચિવે જાહેરાત આપી તેમને મળેલી જ્ઞાતિઓ અને તેના જૂથ તથા કુટોં તેમ જ તેના સભ્યોની વિગતોનો અભ્યાસ કરવા આ ક્ષેત્રની નિષ્ણાત સંસ્થાઓ પાસેથી આવેદનો મંગાવ્યા છે. જેમાં આપેલી વિગતો મુજબ અત્યાર સુધીમાં પંચને ૨૮ જેટલી જ્ઞાતિઓ અને જૂથની ૧.૫૦ લાખ વસ્તી ધરાવતા કુટુંબોની વિગતો મળી છે. સુપ્રીમ કોર્ટની સૂચનાઓ મુજબ આવા કુટુંબોના પત્રકો તૈયાર કરીને તેમના વસવાટના વિસ્તારોમાં જઈને બધા જ કુટુંબોના ઘરે ફરીને સર્વેનું કામ કરવું. અન્ય પછાત વર્ગો માટેના પંચ પાસે આ સર્વેક્ષણ માટેની વ્યવસ્થા જ ન હોઈ સચિવે તેના માટે સર્વેના કાર્યો સાથે જોડાયેલી એજન્સીઓને કાર્ય સોપવાનું નક્કી કર્યું છે. ભારત સરકારે રાષ્ટ્રીય ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપ્યો છે. આથી, નવી જ્ઞાતિઓને ઉમેરવા કે હયાતને કાઢવાની પ્રક્રિયા માત્ર કેન્દ્રીય ઓબીસી આયોગ જ કરી શકશે. જેથી, રાજ્યના ઓબીસી પંચને માત્ર સર્વે કરી ભલામણ કરવા સુધીનો જ અધિકાર છે.