ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 જુલાઈ 2017 (17:11 IST)

કચ્છના રણમાં પહેલા સરસ્વતી નદી વહેતી હોવાના સંશોધનને આંતરરાષ્ટ્રીય જર્નલમાં સ્થાન મળ્યું

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના જીઓલોજી ડિપાર્ટમેન્ટના બે પ્રોફેસરોએ સરસ્વતી નદી પર ભારે સંશોધન કર્યું છે. તેમણે પોતાના સંશોધનમાં એવું પુરવાર કર્યું છે કે સરસ્તવતી નદીનુ ખરેખર અસ્તિત્વ હતુ અને તે હિમાલયમાંથી નિકળીને ગુજરાતના કચ્છના રણમાં પુરી થતી હતી અને કચ્છના સફેદ રણનો પ્રદેશ સરસ્તવતી નદીના કાંપમાંથી જ બનેલો છે.  આ સંશોધન પેપરને તાજેતરમાં જ પ્રતિષ્ઠીત આંતરરાષ્ટ્રીય જર્નલમાં પણ સ્થાન મળ્યુ છે.

પ્રો.ડી.એમ.મૌર્ય અને પ્રો. એલ.એસ.ચામ્યાલ સરસ્તવતી નદીના અસ્તિત્વ અંગે છેલ્લા ૭ વર્ષથી સંશોધન કરી રહ્યા છે. આખરે તેઓને તેમા સફળતા મળી છે. આ અંગે   પ્રો.મૌર્યએ કહ્યુ હતુ કે પ્રાચીન સાહિત્યમાં હિમાલયમાંથી નિકળતી ત્રણ મહા નદીઓ ગંગા, યમુના અને સરસ્તવતીનો ઉલ્લેખ છે જેમાંથી ગંગા અને યમુનાનુ આજે પણ અસ્તિત્વ છે જ્યારે સરસ્તવતી નદી અંગે વર્ષોથી ચર્ચાઓ અને દલીલો થઇ રહી છે. પાછલા ૩ દાયકામાં આ અંગે થયેલા સંશોધનો સરસ્તવતી નદીનુ અસ્તિત્વ હોવાના પુરાવા આપી રહ્યા છે પરંતુ વૈશ્વિક સ્તર પર એ દલીલ થઇ રહી હતી કે જો આવડી મોટી નદી અસ્તિત્વમાં હતી તો તેનો કાંપ આખરે ક્યા જમા થતો હતો. આખા વિશ્વમાં નદીના કાંપના આધારે જ તેના અસ્તિત્વની સાબીતી મળતી હતી એટલે આ પડકાર અમે ઝીલી લીધો હતો. અમે કચ્છના સફેદ રણના વચ્ચેથી ૬૦ મીટર ઉંડે સુધી ડ્રીલ કરીને સેમ્પલ લીધા હતા અને તેના પર છેલ્લા ૭ વર્ષથી સંશોધન ચાલી રહ્યુ હતું. સંશોધનના અંતે એ સાબીત થયુ છે કે આ સેમ્પલમાં હિમાલયના તત્વો પુષ્કળ પ્રમાણમાં છે જેનાથી નક્કી થાય છે કે સરસ્તવતીનો કાંપ અહી ઠલવાતો હતો અને તે કાંપથી જ કચ્છના સફેદ રણનો પ્રદેશ તૈયાર થયો છે.  પ્રોફેસરોએ સંશોધનમાં એ વાત પણ બહાર આવી છે કે સરસ્તવતી નદીનુ અસ્તિત્વ ૧૭૦૦૦ વર્ષ પહેલા પણ હતું. પ્રો.મૌર્યએ કહ્યુ હતુ કે કચ્છના સફેદ રણમાંથી અમે ૬૦ મિટર ઉંડાઇ સુદી ડ્રિલ કરીને  સેમ્પલ લીધા છે તેમાં સૌથી નિચેનો હિસ્સો કાર્બન ડેટીંગમાં ૧૭૦૦૦ વર્ષ પ્રાચીન હોવાનું જાણવા મળે છે. તેમનુ આઇસોટોપીક એનાલીસીસ કરતા જાણવા મળ્યુ કે તે હિસ્સો પણ નદીના કાંપનો છે અને તેમાં પણ હિમાલયન તત્વ મળે છે. ૧૭,૦૦૦ વર્ષથી ૧૦,૦૦૦ વર્ષ સુધી તો સરસ્તવતી નદીનું અસ્તિત્વ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. પરંતુ ૬૦૦૦ વર્ષ પહેલા તેના સિગ્નલ વીક થઇ રહ્યા છે અને ઇન્ડસ (સિંધુ નદી)નદીના ચિન્હો દેખાઇ રહ્યા છે જે બતાવે છે કે વાતાવરણમાં આવેલા પરિવર્તન બાદ સરસ્તવતી નદીનું અસ્તિત્વ ૫૦૦૦ વર્ષ પહેલા ખતમ થયુ જેના કારણે સિંધુ નદી તે દિશામાં વહેતી થઇ. સરસ્તવતી નદી હિમાલયથી નિકળીને હાલના રાજસ્થાનના રણમાંથી પસાર થઇને કચ્છમાં પુરી થતી હતી એટલે જો રાજસ્થાનના રણમમાં પણ વિસ્તૃત સંશોધન થાય તો ઘણી માહિતી મળી શકે તેમ છે.