વનવાસી કોંગ્રેસ આ વખતે સત્તાધારી બની શકશે?
ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં સત્તા પર નથી આવી. ભાજપે કોંગ્રેસને ગુજરાતમાં કમ બેક કરવાનો કોઈ ચાન્સ જ નથી આપ્યો. ઓક્ટોબર 1996થી માર્ચ 1998 વચ્ચે કોંગ્રેસ રાષ્ટ્રીય જનતા પાર્ટીનો ભાગ હતી પરંતુ તે પોતાની સરકાર નહતી બનાવી શકી. 1995માં વિધાનસભાની ચૂંટણીમાં 182 સીટમાંથી 121 પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી હતી. આ સાથે જ ભાજપે પહેલીવાર ગુજરાતમાં પોતાની સરકાર બનાવી અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. કોંગ્રેસે ન માત્ર સત્તા બહાર થવુ પડ્યું પરંતુ તે માત્ર 45 સીટ જ મેળવી શકતા પાર્ટી માટે શરમજનક સ્થિતિ ઊભી થઈ હતી.
આ ચૂંટણી પછી ભાજપે ગુજરાત કોંગ્રેસની કમર જ તોડી નાંખી. દરેક ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ વધુ નબળી થતી ગઈ. 1998માં ભાજપે 117 સીટ સાથે જીત મેળવી અને કોંગ્રેસ માત્ર 53 સીટ જ મેળવી . આ કાર્યકાળમાં પાર્ટીની કમાન નરેન્દ્ર મોદીના હાથમાં આવી જતા ભાજપના સુવર્ણયુગની શરૂઆત થઈ ગઈ. મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ભૂકંપની કામગીરીમાં નિષ્ફળ જતા અને તેમની તબિયત કથળતા તેમનું સ્થાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું.વર્ષ 2002થી ભાજપ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડતુ આવ્યું છે અને તેણે દરેક ચૂંટણીમાં શનદાર વિજય મેળવ્યો છે. હવે પરિસ્થિતિ સાવ જુદી જ છે. મોદી હવે કેન્દ્રમાં છે. તેમના ચાણક્ય અમિત શાહ પણ દિલ્હી પહોંચી ગયા છે. પાટીદારો ભાજપ વિરોધી હોવાનું દેખાઈ રહ્યું છે. આવા સમયે કોંગ્રેસ માટે ગુજરાતમાં 22 વર્ષનો રાજકીય વનવાસ પૂરો કરવાની સારી તક છે. કોંગ્રેસ આ વખતે નોટબંધી-જીએસટી તથા સાંપ્રદાયિકતા જેવા મુદ્દા ઊઠાવીને ભાજપની સરકાર હલાવી શકે છે. આ ઉપરાંત તે પાટીદારોના ભાજપ વિરોધી વલણનો લાભ પણ ઊઠાવી શકે છે. આવામાં કોંગ્રેસ ગુજરાતમાં 22 વર્ષનો રાજકીય વનવાસ પૂરો કરી શકશે કે કેમ તે એક સવાલ છે.