મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 જાન્યુઆરી 2018 (17:00 IST)

જિનપીંગ, આબે અને નેતન્યાહુ જેવા શક્તિશાળી રાષ્ટ્રના વડા શા માટે આવ્યા ગુજરાત ?

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ગુજરાતની મુલાકાત લેનારા ત્રીજા વિદેશી રાષ્ટ્રાધ્યક્ષ છે. છ દિવસની ભારત મુલાકાતે આવેલા નેતન્યાહૂ પહેલીવાર ગુજરાત આવ્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂની સાથે તેમના પત્ની પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ-2017માં ઈઝરાયલ ગયા હતા. ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે વડાપ્રધાન મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પર બેન્જામિન નેતન્યાહૂનું સ્વાગત કરવામાં આવ્યું છે.

સૌથી પહેલા 2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ચીનના રાષ્ટ્રપ્રમુખ સી જિનપિંગ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે જિનપિંગ અને તેમના પત્નીના સાબરમતી રિવરફ્રન્ટ પરના સ્વાગત દ્રશ્યો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યા હતા. તો જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ પણ ગુજરાતની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદી અને શિંજો આબેએ અમદાવાદ ખાતે રોડ શો પણ કર્યો હતો. શિંજો આબે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રોડ શૉ કરનારા પહેલા વિદેશી રાષ્ટ્રાધ્યક્ષ હતા.

ચીન, જાપાન અને ઈઝરાયલ દુનિયાના આર્થિક રીતે સક્ષમ દેશો છે અને વિશ્વના અન્ય દેશોને તેઓ પોતાની તકનીક, હથિયારો પણ વેચે છે. દુનિયાની આ વિકસિત અર્થવ્યવસ્થાઓ ભારત જેવા વિકાસશીલ દેશોમાં કારોબારને પ્રોત્સાહીત કરવા માટે મહત્વની ભૂમિકાઓ અદા કરે છે. તેવામાં વડાપ્રધાન મોદી આ શક્તિશાળી દેશોના વડાપ્રધાન અથવા તો રાષ્ટ્રાધ્યક્ષો સાથે વ્યક્તિગત સ્તરે સંબંધો પર પણ ખાસો ભાર મૂકતા દેખાય છે.