સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (16:14 IST)

કોંગ્રેસની જેમ હવે ભાજપમાં પણ સગાંવાદ, વિજાપુર નગરપાલિકામાં ભાજપે સગાવ્હાંલાંને ટિકીટની લ્હાણી કર્યાની ચર્ચા

મહેસાણા હંમેશા ભાજપ માટે રાજકારણની પાઠશાળા રહી છે. અહીં ભાજપની ભગિની સંસ્થાઓ અનેક પ્રયોગ કરતી રહી છે. હવે ભાજપના કાર્યકરો તેવા પ્રયોગ કરીને પ્રદેશ અને દેશના નેતાઓને પડકાર ફેંકી રહ્યાં છે. મહેસાણા જિલ્લાના વિજાપુર પાલિકાની ચૂંટણી માટે 28 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામે તે પહેલાં આ બન્ને પક્ષની અંદર જ જંગ જામી ગયો છે.ભાજપને ભય હતો કે જો તેના ઉમેદવારોના નામની વહેલી જાહેરાત કરવામાં આવશે તો પક્ષમાં ભારે વિરોધ થશે. કારણ કે ગાંધીનગરથી સોગઠા ગોઠવાયા હતા કે આ વખતે કાપો અને મારો કરીને ટિકિટો કાપવાની છે.

તેથી જો વહેલી ટિકિટો આપી દેવામાં આવે તો પક્ષમાં બળવો થાય તેમ છે. તેથી થોડી કલાકો પહેલાં જ મેન્ડેટ આપવામાં આવ્યા હતા. તેની સામે ભાજપના કાર્યકરો પણ રાજકારણ ખેલી રહ્યાં હતા. તેઓ જાણી ગયા હતાં કે પ્રદેશ અને દેશના નેતાઓ કેવી ગંદી રાજરમત રમી રહ્યાં છે. ઉમેદવારોના નામો નક્કી થતાં ન હોવાથી તેમને રાજગંધ આવી ગઈ હતી કે, તેમને ટિકિટ મળવાની નથી. તેથી તેમણે પણ સામે એવી જ રાજનીતિ અપનાવીને પોતાના સગાં સંબંધીઓને અપક્ષ તરીકે ઊભા રાખી દીધા છે.આવું ભાજપમાં જ થાય એવું થોડું છે. કોંગ્રેસમાં પણ થયું છે. તે વિપક્ષમાં હોવાથી તેની બહુ નોંધ લેવાતી નથી. વિજાપુર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અસફાકઅલી સૈયદને કોંગ્રેસે ટિકિટ આપી નથી તેથી તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તો બીજી તરફ ભાજપમાં પણ પૂર્વ પ્રમુખ બકાભાઈ પંડ્યાની ટિકીટ કાપી નાંખવામાં આવી છે. આ વખતે યુવાઓને ટિકીટ આપીને ભાજપે પરીવાર વિવાદ ઉભો કર્યો છે.સોયફ કુરેશીએ પણ અપક્ષ ઉણેદાવારી કરી છે. આમ કોંગ્રેસ સામે પણ માથું ઉંચકીને મહેસાણાને રાજકીય પ્રયોગશાળા બનાવીને બન્ને પક્ષો પોતાના પક્ષના નેતાઓને પણ રાજનીતિના પાઠ ભણાવી દીધા છે.