અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન સામે 10 કરોડ રૂપિયાનો માનહાનીનો દાવો
દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સામે કોંગ્રેસના યુવા નેતા રાજેશ બ્રહ્મભટ્ટે સિટી સિવિલ કોર્ટમાં રૂ.10 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. કોર્ટે ગ્યાસુદ્દીનને નોટિસ કાઢી વધુ સુનાવણી 2 ફેબ્રુઆરીના રોજ રાખી છે. શાહપુરમાં રહેતા અને ગ્રાહક સુરક્ષા સેલ અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ રાજેશ બ્રહ્મભટ્ટે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, મારી કારર્કિદીને હાનિ પહોંચાડવાના ઇરાદે ધારાસભ્યે વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાત પ્રદેશ પ્રમુખ સહિતાના નેતાઓને પત્ર લખ્યો હતો.
જેમાં એવો આક્ષેપ કરેલો કે રાજેશ બ્રહ્મભટ્ટ અને પૂર્વ કાઉન્સિલર રાજેશ મોમીન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. દરિયાપુરના ભાજપના ઉમેદવારને જીતાડવા માટે રાઈફલ ક્લબમાં 11 નવેમ્બરે બેઠક કરી હતી. જેમાં રાજુ મોમીનને અપક્ષ ઉમેદવારી કરવા 50 લાખની લાલચ આપી હતી. આ બેઠકમાં મૈયુદ્દીન બના શેઠે વિરોધ કરતા રાજેશ બ્રહ્મભટ્ટ અને રાજુ મોમીન ભાગી ગયા હતાં. જે અંગેના સીસીટીવી ફૂટેજની ખરાઇ કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા આગેવાનોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા પક્ષના હિતમાં છે.