રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (15:07 IST)

ત્રણ દિવસીય તાલીમ શિબીરમાં કોંગ્રેસી ધારાસભ્યોને વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવાના પાઠ શિખવાડાશે

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ વધ્યુ છે તે જોતાં પ્રજાલક્ષી પ્રશ્નો ઉઠાવી રૃપાણી સરકારને ઘેરવા કોંગ્રેસે તૈયારી કરી લીધી છે. કોંગ્રેસે કપડવંજના પુનાદરા ખાતે આવેલાં નંદનવાટિકા રિસોર્ટમાં ત્રણ દિવસીય તાલીમ શિબીરનું આયોજન કર્યુ છે જેમાં ધારાસભ્યોને વિધાનસભામાં કેવા પ્રશ્નો ઉઠાવવા,કેવી રીતે અસરકારક મૌખિક રજૂઆત કરવી તેના પાઠ શિખવાડવામાં આવશે.

દિલ્હીથી ચાર નિષ્ણાતો આવી કોંગ્રેસી ધારાસભ્યોને ગુજરાતના સંસદીય ઇતિહાસથી વાકેફ કરશે. વિધાનસભામાં કઇ કઇ સમિતીની શું કામગીરી છે,ધારાસભ્યોના અધિકાર,ફરજ અને સવલતો વિશે જાણકારી આપવામાં આવશે. વિધાનસભામાં રજૂ કરાતા વિધેયકો,પ્રસ્તાવ અને વૈદ્યાનિક બાબતોથી પણ ધારાસભ્યોને માહિતગાર કરવામાં આવશે. આ તાલીમ શિબિરમાં રાજ્ય-કેન્દ્રની ભાજપ સરકારની નિષ્ફળ નિતીઓને કેવી રીતે લોકો સુધી પહોંચાડવી તેની પણ ચર્ચા કરાશે.સોશિયલ મિડિયાનો જનમાનસ પર કેવો પ્રભાવ છે,તેના ઉપયોગ વિશે પણ મસલતો કરાશે. વિધાનસભામાં વિવિધ વિષય આધારિત મુદ્દાસર રીતે બોલવાની કળા પણ નિષ્ણાતો ધારાસભ્યોને શિખવશે. આ વખતે કોંગ્રસ વિધાનસભામાં હોબાળો નહી મચાવે બલ્કે સ્ટ્રટેજી સાથે ભાજપ સરકારને ઘેરશે. જેમ કે,નલિયાકાંડ,ગોંડલમાં મગફળીનું કૌભાંડ સહિત અન્ય સળગતાં મુદ્દાઓના મામલે સરકાર પાસે જવાબ માંગશે અને ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરશે. કોંગ્રેસમાં આ વખતે વિપક્ષના નેતા પરેશ ધાનાણી,અશ્વિન કોટવાલ,અલ્પેશ ઠાકોર,ગેનીબેન ઠાકોર,જીજ્ઞોશ મેવાણી સહિતના યુવા નેતાઓ છે ત્યારે ભાજપને ઘેરવા આ યુવા નેતાઓ વિધાનસભામાં પ્રજાના સળગતા મુદદા ઉઠાવવામાં જરાયે કસર છોડશે નહીં. બીજી તરફ,ભાજપમાં ય સંખ્યાબળ ઘટયુ છે સાથે સાથે અસંતોષની જવાળા ભડકી રહી છે જેથી ભાજપને કોગ્રેસનો વિરોધ ખાળવા મુશ્કેલ બની રહેશે.