રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2018 (16:35 IST)

કેન્સર, તથા હૃદયની ગંભીર બિમારી ધરાવતા શાળાના બાળકોની સંખ્યામાં 53 ટકા વધારો

ગુજરાતમાં શાળાના 11923 બાળકો કેન્સર, હૃદય અને કીડની જેવી ગંભીર બિમારીથી પીડાય છે. ગત વર્ષની સરખામણીએ ગંભીર રોગ ધરાવતા બાળકોની સંખ્યામાં 53 ટકાનો ધરખમ વધારો થયો છે. રાજય વિધાનસભામાં પુછાયેલા પ્રશ્ર્નના જવાબમાં રાજય સરકારે એમ કહ્યું હતું કે છેલ્લા એક વર્ષ દરમ્યાન યોજાયેલા આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં 1400 બાળ વિદ્યાર્થીઓ કેન્સરથી પીડાતા હોવાનું બહાર આવ્યુ છે. જયારે 8177 બાળકોને હૃદયની તથા 2355 બાળકોને કિડનીની બિમારી હોવાનું બહાર આવ્યુ છે.

આ બાળકોની સારવાર માટે રાજય સરકારે 42 કરોડનો ખર્ચ કર્યો છે. કેન્સરથી પીડાતા બાળકોને એમ.પી.શાહ હોસ્પીટલ, હૃદયરોગ ધરાવતા બાળકોને યુ.એન.મહેતા અને કિડનીની સમસ્યા ધરાવતા બાળકોને ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસીઝમાં ખસેડવામાં આવ્યા છે. નવેમ્બર 2016થી જાન્યુઆરી 2017 દરમ્યાન શાળા આરોગ્ય ચકાસણી કાર્યરત હેઠળ આંગણવાડીઓમાં 6 વર્ષ સુધીના બાળકો, શાળાઓમાં ધો.12 સુધીના વિદ્યાર્થી અને સ્કુલે ન જતા 18 વર્ષ સુધીના તરુણોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. 17 લાખ વિદ્યાર્થીઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. 2016-17ના વર્ષમાં 10794 બાળકોને સુપરસ્પેશ્યાલીટીની સારવાર જરૂરી જણાઈ હતી. 5250 બાળકોને હૃદયરોગ, 1494ને કિડનીની બિમારી તથા 1014ને કેન્સર હોવાનું માલુમ પડયું હતું. 30 બાળકોને બોનમોરો ટ્રાન્સપ્લાન્ટ, 24 ને કીડની ટ્રાન્સપ્લાન્ટ 531ને કોહલર ઈમ્પ્લાંટ 600ને કલબફુટ અને 1451ને પેલેટ માટે રીફર કરાયા હતા.