રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 માર્ચ 2018 (12:41 IST)

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 55 કાસ્ટોડિયલ ડેથના કેસ, સૌથી વધુ અમદાવાદમાં

એક RTIના જવાબમાં સ્ટેટ હ્યુમન રાઇટ કમિશને જવાબ આપતા રાજયની જેલોમાં ૨૦૧૭ના એક વર્ષમાં જ ૫૫ જેટલા વ્યકિતઓના કસ્ટોડિયલ મોત થયા છે. તેમાં પણ ૨ પોલીસ કસ્ટડીમાં અને ૧૩ સાબરમતી જેલમાં કુલ ૧૫ વ્યકિતના આંકડા સાથે અમદાવાદ સૌથી મોખરે છે. મહેસાણા ખાતે રહેતા માનવાધિકારી  એકિટવિસ્ટ કૌશિક પરમાર દ્વારા કરવામાં આવેલ RTI એપ્લિકેશનના જવાબમાં ખુલાસો થયો કે કુલ કસ્ટોડિયલ ડેથના ૩૩ એટલે કે ૬૦ બનાવ મોટા શહેરો જેવા કે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં બન્યા છે. તેમાં પણ રાજકોટ, સુરત અને વડોદરામાં સૌથી વધુ ૬-૬ કસ્ટોડિયલ ડેથ કેસ નોંધાયા છે.

કસ્ટોડીયલ ડેથ એટલે કે અપરાધીનું જેલ ઓથોરિટી અથવા પોલીસ લોકઅપમાં મોત થવું. જેલમાં મોત થાય તો તેને જયુડિશિયલ ડેથ કહેવાય. તો આ RTIમાં તે પણ બહાર આવ્યું કે ૨૦૧૭માં અમદાવાદ શહેરમાં સૌથી વધુ માનવાધિકાર ભંગને લગતા કેસ નોંધાયા છે. જે આંકડો ૭૮૩ પહોંચી ગયો છે. જે પૈકી ૭૬૬ કેસનો કમિશને નિકાલ કર્યો છે. જયારે ૧૭ જેટલા કેસ હજુ પણ પેન્ડિંગ પડ્યા છે. પરમારે કહ્યું કે રાજય માનવાધિકાર પંચ મુજબ ૫૫ કસ્ટોડિયલ ડેથ પૈકી ૬ કેસ પોલીસ લોકઅપમાં આ વ્યકિતઓનું વધુ પડતું ટોર્ચર કરવામાં આવ્યું હોઈ શકે છે. આ તમામ કેસમાં પંચે સ્વતંત્ર ઇન્કવાયરી કરવી જોઈએ. આજ રીતે અમદાવાદના વકીલ અને એકિટવિસ્ટ શમશાદ પઠાણ કહે છે કે, 'કસ્ટોડિયલ ડેથ માટે પોલીસ ટોર્ચર જ જવાબદાર હોય છે. પછી તે મૃત્યુ લોકઅપમાં થયું હોય કે જેલમાં. અપરાધીઓને સામાન્ય રીતે જેલમાં ટોર્ચર કરવામાં આવે છે અને જો તે દરમિયાન મોત થઈ જાય તો કાર્ડિઆક અરેસ્ટનું કારણ આપવામાં આવે છે. ત્યારે આ કેસમાં વધુ તપાસ કરવા જોઈએ.