પાટીદાર સમાજનાં શિક્ષિત બેરોજગાર લોકો માટે યોજાશે રોજગાર મેળો
પાટીદાર સમાજનાં શિક્ષિત અને બેરોજગાર લોકો માટે અમદાવાદમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. મળતી માહિતી મુજબ આ રોજગાર મેળો અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ પર 27 માર્ચનાં રોજ યોજાશે. આ રોજગાર મેળાનું આયોજન પટેલ નવનિર્માણ સેના દ્વારા કરવામાં આવી રહ્યુ છે. 27 માર્ચે યોજાનારા રોજગાર મેળામાં પાટીદાર યુવક-યુવતીઓને ફ્રી રજીસ્ટ્રેશન માટે બોલાવવામાં આવી રહ્યા છે.
પાટીદાર સમાજ દ્વારા યોજવામાં આવેલ આ પ્રથમ રોજગાર મેળો છે. સુત્રોનાં જણાવ્યાં મુજબ આ આયોજનમાં પાટીદાર ઉદ્યોગપતીઓ, પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓનાં સંચાલકો, પાટીદાર વેપારીઓ, બીલ્ડર્સ, પાટીદાર વકીલ, એન્જીનિયર, ડૉક્ટર્સ, પાટીદાર ધાર્મિક સંસ્થાનાં આગેવાનો હાજરી આપશે. પાટીદાર સમાજનાં 20 લાખ શિક્ષીત બેરોજગારોને રોજગારી આપવાના હેતુથી ગુજરાતમાં સૌ પ્રથમવાર રોજગાર મેળો યોજવામાં આવી રહ્યો છે.
પાટીદાર રોજગાર મેળામાં શૈક્ષણિક લાયકાત ધરાવતા અને 18 વર્ષથી ઉપરનાં યુવા વર્ગને રજીસ્ટ્રેશન માટે બોલાવવામાં આવ્યા છે. પાટીદારોને પોતાના કૌશલ્ય મુજબની રોજગારી પાટીદારોની સંસ્થામાં સરળતાથી મળી શકે તે માટે ખાસ આ રોજગારી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. આયોજનકર્તાઓ મુજબ આ રોજગારી મેળામાં શૈક્ષણિક લાયકાત મુજબ યોગ્ય કામગીરી શોધવા માર્ગદર્શન આપવામાં આવશે, સાથે અભ્યાસ માટેની શૈક્ષણિક લોન માટે પણ માહિતી આપવામાં આવશે. બેરોજગાર પાટીદાર યુવાનો માટે આ રોજગાર મેળો એક આશિર્વાદરૂપ બની રહે તેવો પ્રયત્ન આયોજનકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે.