શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 એપ્રિલ 2018 (15:40 IST)

BJPના 5 સ્ટાર ધરણાં: ઉપવાસીઓ માટે 10 કૂલર, મિનરલ વોટર

સંસદની કાર્યવાહી ખોરવવા બદલ ભાજપ હાઈકમાન્ડે કોંગ્રેસ સામે દેશભરમાં ધરણાં-ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે. જેના અનુસંધાનમાં આજે અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલા જિલ્લા પંચાયતની સામે સમિયાણો બાંધીને ભાજપ દ્વારા ઉપવાસ કરવામાં આવ્યા હતા. અહીં દરેક ઉપવાસીઓને ફાઈવ સ્ટાર સુવિધામાં મિનરલ વોટર રાખવામાં આવ્યું હતું અને કાર્યકરોની ઠંડક મળે એ માટે કૂલર રાખવામાં આવ્યા હતા. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી પણ આ ઉપવાસમાં જોડાયા હતા. કૂલર અને મિનરલ વોટરનો સિનેરિયો આખા ગુજરાતમાં જોવા મળ્યો હતો.

૧૨ એપ્રિલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીમંડળના સભ્યો વિવિધ સ્થળે એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેસીને સંસદમાં કૉંગ્રેસના સખ્ત વલણ સામે વિરોધ નોંધાવી રહ્યા છે. જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણી ધરણાં નહોતા કર્યા, પરંતુ મુખ્યમંત્રી કાર્યાલયમાં બેસીને ઉપવાસ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી વડોદરા ખાતે ઉપવાસ પર બેઠા છે. લાલ દરવાજા ખાતે ભાજપ સમર્થિત દલિત કાર્યકરો ઉપવાસને સમર્થન આપવા માટે લાલદરવાજા જય ભીમના નાદ સાથે પહોંચ્યા હતા અને સમર્થન જાહેર કર્યું હતું.