સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 એપ્રિલ 2018 (11:40 IST)

રાજકોટમાં મોડી રાત્રે 20 લાખના હીરાની દીલધડક લૂંટ

રાજકોટ શહેરમાં ચોવીસ કલાક ધમધમતા લીમડા ચોકમાં પોલીસની આબરૃના લીરેલીરા ઉડાડતી ઘટના  મોડી રાત્રે ઘટી હતી. સુરત જવા માટે બસની રાહમાં ઉભેલા આંગડીયા પેઢીના કર્મચારી બાબુજી ઠાકોરને ધક્કો મારી પછાડી દઈ અંદાજે ૨૦ લાખથી વધુની કિંમતના હીરાના પેકેટ ભરેલા થેલાની લૂંટ થયાની ઘટનાથી પોલીસબેડામાં રાતે દોડધામ મચી ગઈ હતી. બે કર્મચારીઓ પૈકી એક જેવો ટિકીટ લેવા છુટો પડયો એટલી જ વારમાં લૂંટને અંજામ અપાઈ ગયો હોવાથી પોલીસ અલગ અલગ પાસા ચકાસી રહી છે.

પોલીસના સુત્રોમાંથી બનાવ અંગે જાણવા મળેલી વિગતો મુજબ સોરઠીયાવાડી નજીકના પવનપુત્ર ચોકમાં આવેલી અક્ષર આંગડીયા પેઢીના બે કર્મચારીઓ આજે રાત્રે હીરાના પાર્સલ ભરેલો થેલો લઈને સુરત જવા માટે લીમડા ચોકમાં આવ્યા હતા. એક કર્મચારી સુરત માટેની ટિકીટ લેવા ગયો હતો. જ્યારે બાબુજી ઠાકોર બસ નજીક જ ઉભા હતા. સાથી કર્મચારી જેવો ટિકીટ લેવા ગયો અને બાબુજી ઠોકોર એકલો પડયો એટલીવારમાં ચાર શખસો ધસી આવ્યા હતા અને બાબુજીને ધક્કો મારી પછાડી દઈને ખભે રહેલો થેલો આંચકીને નાસી છુટયા હતા. લૂંટ અંગે પી.આઈ. વી.વી.ઓડેદરાના જણાવ્યા મુજબ લૂંટમાં કોના કોના પાર્સલ હતા તે અંગે ચકાસણી કરાઈ રહી છે. અંદાજે ૧૫ લાખના હીરાની લૂટ થવાનું પ્રાથમિક અનુમાન છે આમ છતાં બીલ આવ્યા બાદ ખરો આંક બહાર આવશે. લૂંટમાં કેટલાક પાસાઓ પણ શંકાસ્પદ દેખાતા હોય તે દિશામાં પણ તપાસ કરાઈ રહી છે. ભેદ ઉકેલાઈ જવાની પણ પોલીસે આશા વ્યકત કરી હતી. શાસ્ત્રીમેદાનના ખૂણે લીમડા ચોકમાં લાખોના હીરાની લૂંટને પગલે મધરાત્રે લોકોના ટોળેટોળા ઉમટયા હતા.  તપાસનીશ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઇ જાણભેદુ હોય તેવું લાગી રહ્યું છે. હાલ હીરાનું પાર્સલ હતું તેમાં કેટલી કિંમતના હીરા હતા તે અંગેનો ફીગર હજુ જાહેર થયો નથી.