બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 16 જૂન 2018 (16:38 IST)

સાસરીમાં મનદુઃખ થતાં જમાઈ ત્રણ વર્ષની દિકરી સાથે કૂવામાં સંતાઈ ગયાં

ભીલોડા તાલુકાના લીલછા ગામના સોલંકી જગદીશભાઇના લગ્ન ઇડર તાલુકાના બુઢેલી ગામે થયા હતા. બે દિવસ પહેલા પોતાની પત્નિ તથા ત્રણ વર્ષની બાળકીને લઇને સાસરીમાં આવ્યા હતા ત્યારે ગુરૂવારે સવારના સમયે કોઇ વાતે સાસરીમાં મનદુ:ખ થયુ હતું. મનમાં લાગી આવતા શુક્રવારે વહેલી સવારે જગદીશભાઇ પોતાની ત્રણ વર્ષની બાળકીને લઇને ઘરેથી નીકળી ગયા હતા અને ગામ નજીક આવેલ બાબુભાઇના કૂવામાં પાઇપના સહારે બાળકી સાથે ઉતરી પડયા હતા અને એક બખોલમાં સંતાઇ ગયા હતા. દિવસ દરમિયાન જમાઇ અને બાળકી ગૂમ થતા જ ગામમાં શોધખોળ હાથ ધરાઇ હતી તે દરમિયાન સાંજના સુમારે લાઇટ આવતા ખેડૂત બાબુભાઇ પટેલ મોટર ચાલુ કરવા જતા હતા ત્યારે કૂવામાંથી કોઇ અવાજ આવતા તેમણે કૂવામાં ડોકીયુ કર્યુ હતું.

જે દરમિયાન બખોલમાં એક યુવક તેની કેડમાં નાની દીકરીને લઇને પાઇપના સહારે બખોલમાં સંતાઇ ગયો હોવાનું માલૂમ પડતા તેણે યુવકને સમજાવીને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાસરીમાં થયેલા મનદુ:ખની વાત કરી જગદીશભાઇએ કૂવામાંથી બહાર આવવાનો ઇન્કાર કર્યો હતો. જેથી બાબુભાઇ પટેલે સમય સૂચકતા વાપરી ઇડર ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ઇન્સપેકટર કમલભાઇ પટેલ, ઝાલા રાજેન્દ્રસિંહ, પટેલ સંદીપભાઇ, પટેલ દીપકભાઇ, પટેલ પ્રદીપભાઇ ઘટના સ્થળે આવી ગયા હતા અને કૂવામાં સંતાયેલા સોલંકી જગદીશભાઇ અને તેમની ત્રણ વર્ષની બાળકીને બહાર કાઢી હતી. જેની જાણ સોલંકી જગદીશભાઇના સાસરીયાઓને કરતા તેઓ પણ દોડી આવી જગદીશભાઇને સમજાવી ઘરે પરત મોકલ્યા હતા.